અશગાબાતઃ તુર્કમેનિસ્તાનમેં છેલ્લા સાડા ચાર દસકાથી સળગી રહેલી વિશાળકાય કુદરતી ખાડાની આગ ધીમી પડી છે. સરકારે જાહેરાત કરી છે હવે આ આગ પર મહદ અંશે કાબૂ મેળવી લેવાયો છે. આ ક્યારેય ન બૂઝાતી અગનજવાળાએ એક શાંત અને ઉજ્જડ રણપ્રદેશને પર્યટકોનું પસંદગીનું સ્થળ બનાવી દીધું છે. ‘નરકના દ્વાર’ના નામથી આખી દુનિયામાં ચર્ચિત આ વિશાળકાય ખાડો ખરેખર તો સોવિયેત એન્જિનિયરોની એક ભૂલનું પરિણામ છે. 1971માં વૈજ્ઞાનિકો અહીં ભૂગર્ભ ગેસ ભંડાર માટે સંશોધન કરી રહ્યા છે. ડ્રિલીંગ દરમિયાન આ ખાડો પડી ગયો અને તેમાં ઝેરીલા ગેસનો સ્ત્રાવ શરૂ થઇ ગયો. ત્યાં હાજર વૈજ્ઞાનિકોએ આ ગેસનો બહાર આવતો અટકાવવા માટે તેને આગ ચાંપી દીધી, જે હજુ સુધી ભભૂકી રહી છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ગેસના સ્ત્રાવમાં ઘટાડો થવાથી ક્રેટરમાં ભભૂકતી આગની તીવ્રતામાં ઘટાડો થયો છે.
તુર્કમેનિસ્તાનની એનર્જી કંપની તુર્કમેનાઝનાં ડિરેક્ટર ઇરીના લુરીવાનું કહેવું છે કે અગનજ્વાળાની તીવ્રતા ઘટીને લગભગ ત્રીજા ભાગની થઇ ગઇ છે. જે આગના લપકારા પહેલાં માઇલો દૂરથી નજરે પડતા હતા તે હવે નજીક પહોંચ્યા પછી જ નજરે ચઢે છે.
મીથેન ગેસનું ઉત્પાદન
દુનિયામાં સૌથી મોટો ગેસ ભંડાર ધરાવતા દેશોમાં ચોથા ક્રમે રહેલું તુર્કમેનિસ્તાન આ ગેસ સ્ત્રાવના પગલે મીથેન ગેસનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. જોકે તુર્કમેનિસ્તાન આ દાવો નકારી કાઢે છે. જળવાયુ પરિવર્તન અને ઓઝોનના આવરણને થઇ રહેલા નુકસાન માટે સૌથી મોટું કારણ મીથેન ગેસ મનાય છે. તેનો સંગ્રહ કરીને ઉર્જાનું ઉત્પાદન કરી શકાય તે માટે ક્રેટરની ચારેતરફ કેટલાય કુવા પણ ખોદવામાં આવ્યા હતા. જોકે આ યોજના સફળ થઇ નહોતી.
30 મીટર ઊંડો અને 70 મીટર ગોળાઇ
આ ક્રેટર તુર્કમેનિસ્તાનની રાજધાની અશગાબાતથી 260 કિલોમીટરના અંતરે આવેલા કારાકુમ રણપ્રદેશની વચ્ચે આવેલો છે. ક્રેટરનો વ્યાસ 60થી 70 મીટર છે, જ્યારે તેની ઊંડાઇ 30 મીટર હોવાનું કહેવાય છે. તેમાંથી વિચિત્ર દુર્ગંધ આવતી હોવા છતાં દર વર્ષે લાખો પર્યટકો આ વિશાળકાય ક્રેટરની કુદરતી અજાયબી જોવા અહીં પહોંચે છે.