વોશિંગ્ટનઃ નિવૃત્તિ પછી સામાન્ય રીતે લોકો જ્યાં આરામ કરવાનું પસંદ કરે છે, ત્યારે 81 વર્ષનાં ડીજે ગ્લોરિયા સ્વીડનના ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવી રહ્યાં છે. માથાથી પગ સુધી ચમકતા કપડાં પહેરીને, પ્રોફેશનલની જેમ મ્યુઝિક મિક્સ કરતાં ગ્લોરિયાનું સાચું નામ મેડલિન મેનસન છે. તેઓ છેલ્લાં 16 વર્ષથી ડીજે છે!
તેઓ કહે છે, ‘આજે હું ખૂબ સારી ડીજે છું... એવું કોઈ નથી જેને હું ડાન્સ ફ્લોર પર ન લાવી શકું.’ ગ્લોરિયા ખાસ કરીને 50 વર્ષથી ઉપરની મહિલાઓ માટે નાઇટ ક્લબ ઇવેન્ટ્સ કરે છે. જ્યાં પ્રવેશ માટે આઈડી કાર્ડ જરૂરી હોય છે.
પતિના મૃત્યુ પછી ગ્લોરિયાનું જીવન બદલાઇ ગયું. તેમના પતિના અવસાન બાદ તેમણે ડીજે બનવાનો નિર્ણય લીધો. 62 વર્ષની ઉંમરે તેમણે 9 વર્ષ સુધી પતિની સંભાળ રાખી હતી. તેઓ જણાવે છે, ‘હું ડિપ્રેશનમાં હતી. એક રાત્રે મિત્રો સાથે ડિનર કરતી વખતે તેમણે કહ્યું કે મને લાગે છે હું ડીજે બનીશ.’
બસ, નિર્ણય કર્યો કે તરત તેનો અમલ પણ શરૂ કર્યો. તેમણે ક્લબોમાં જઈને ડીજેનું કામ શીખ્યું. ગ્લોરિયા અગાઉ જાઝ સિંગર, ફેશન ડિઝાઈનર અને ગાર્ડન સેન્ટરના માલિક પણ રહી ચૂક્યાં છે. તેઓ નવા મ્યુઝિક ટ્રેન્ડ્સને પણ ફોલો કરે છે. ગ્લોરિયાના ડીજે બુકિંગ એક વર્ષ અગાઉથી જ ફૂલ થઈ જાય છે.