ઓટાવા: કેનેડાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામની અખંડિતતા સામે ગંભીર સવાલો ઊભા થયાં છે. કેનેડાના ઓડિટર જનરલ કરેન હોગન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ એક નવા ઓડિટ રિપોર્ટમાં જાણકારી મળી છે કે સ્ટુડન્ટ ડાઈરેક્ટ સ્કીમ હેઠળ આવનારા ભારતીય વિદ્યાર્થીઓની વિઝાની અરજીઓને 98 ટકાના દરે મંજૂરી અપાઈ છે. વિભાગને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી કે અવાસ્તવિક અરજીઓ દ્વારા આ ફાસ્ટ ટ્રેક વિઝા યોજનાનો મોટાપાયે દુરુપયોગ કરાઈ રહ્યો છે, આમ છતાં આ મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022થી 2024ની વચ્ચે લગભગ 800 એવા કેસ સામે આવ્યા કે જેમાં બનાવટી શૈક્ષણિક પ્રમાણપત્રો અથવા અસ્તિત્વ જ ના હોય તેવી સંસ્થાઓના દસ્તાવેજનો ઉપયોગ કરાયો હતો.


