અંતરિક્ષમાં આંટો મારવા જવું છે?

Sunday 11th October 2026 12:14 EDT
 
 

બેઈજિંગઃ ચીનના અગ્રણી ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ ‘ટ્રીપ ડોટ કોમ’એ સ્પેસ ટૂરિઝમ માટે સૌથી મોંઘું લક્ઝરી સ્પેસ પેકેજ લોન્ચ કર્યું છે, જેની કિંમત અંદાજે 6.9 કરોડ રૂપિયા (51 લાખ યુઆન) છે. અમેરિકન સ્પેસ ટૂરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિકના સહયોગથી સાકાર થનાર આ ખાસ પ્રવાસ 2027માં યોજાશે. સ્પેસ ટૂરનું આ પેકેજ બુકિંગ માટે ઓપન થતાં જ બે ગ્રાહકોએ તેને ખરીદી પણ લીધું છે.
આ વૈભવી સ્પેસ પેકેજ કુલ 6 દિવસનું રહેશે, જેમાં મુસાફરોને અંતરિક્ષની ઉડાન ભરતા પહેલા 4 દિવસની સખત પ્રિ-ફ્લાઇટ ટ્રેનિંગ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન મુસાફરોને સ્પેસક્રાફ્ટ સિમ્યુલેટર સેશન્સ, સેન્ટ્રીફ્યુજ, હાઈ-જીફોર્સ ટ્રેનિંગ, પેરાબોલિક ફ્લાઇટ (ઝીરો-ગ્રેવિટી અનુભવ), ઈમરજન્સી ડ્રિલ્સ અને મશીન ઓપરેટિંગ જેવી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તાલીમ બાદ, પાંચમા દિવસે અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્થિત ‘સ્પેસપોર્ટ અમેરિકા’ પરથી પ્રવાસીઓ વર્જિન ગેલેક્ટિકના સ્પેસક્રાફ્ટમાં સવાર થઈ 90 મિનિટની સબઓર્બિટલ ઉડાન ભરશે. આ સફર દરમિયાન અવકાશયાત્રીઓ અંતરિક્ષની સરહદ પર પહોંચી શૂન્યાવકાશનો અનુભવ કરી શકશે અને સ્પેસક્રાફ્ટની વિશેષ વિન્ડોઝમાંથી પૃથ્વીના નજારો નિહાળશે.
યાત્રા પૂરી થયે સર્ટિફિકેટ
યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, અંતિમ દિવસે તમામ પ્રવાસીઓને એસોસિએશન ઓફ સ્પેસ એક્સપ્લોરર્સ તરફથી કમર્શિયલ એસ્ટ્રોનોટ (વ્યાવસાયિક અવકાશયાત્રી) નું પ્રમાણપત્ર પણ એનાયત કરાશે. 6.9 કરોડ રૂપિયાની આ ટિકિટમાં માત્ર સ્પેસ પ્રોગ્રામ અને ત્યાંના રોકાણનો ખર્ચ સામેલ છે, જ્યારે અમેરિકા જવા-આવવાની એર ટિકિટ, વિઝા અને વીમા જેવો અન્ય ખર્ચ ગ્રાહકોએ અલગથી ભોગવવો પડશે. આ લોન્ચિંગ સાથે જ કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલ હવે સામાન્ય ટ્રાવેલ પ્લેટફોર્મ્સના પોર્ટફોલિયોમાં પણ સ્થાન મેળવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter