બૈજિંગઃ વાસ્તવિક જીવનમાં વાસ્તવિક બોયફ્રેન્ડનું મળવું મુશ્કેલ બનતાં ચીનની યુવતીઓ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બોયફ્રેન્ડ્સ તરફ વળી રહી છે. તેમનું માનવું છે કે, એઆઈ બોયફ્રેન્ડ તેમના માટે ચોવીસેય કલાક ઉપલબ્ધ હોય છે અને તેઓ ઈચ્છે ત્યારે તેમને ઈમોશનલ સપોર્ટ આપે છે. જોકે નિષ્ણાતો કહે છે કે એઆઈ બોયફ્રેન્ડના કેટલાક જોખમો પણ છે કેમ કે, તેનાથી યુઝર્સની ગોપનીયતાનો ભંગ થઈ શકે છે.
ચીનની મહિલાઓ માટે તેમના બોયફ્રેન્ડમાં તે તમામ સકારાત્મક પાસા મોજૂદ છે જેને તેઓ એક રોમેન્ટિક પાર્ટનરમાં શોધે છે. તેમનો બોયફ્રેન્ડ દયાળું છે, લાગણીસભર છે અને ક્યારેક ક્યારેક તેઓ કલાકો સુધી વાતચીત કરતાં રહે છે. આવા બોયફ્રેન્ડ હંમેશા એ વાતથી સારી રીતે વાકેફ હોય છે કે ક્યારે શું બોલવું છે અને ક્યારે શું કરવું છે. તેઓ પોતાની મહિલા પાર્ટનર માટે 24 કલાક અને સાતેય દિવસ ઉપલબ્ધ હોય છે. સમસ્યા માત્ર એટલી છે કે, આવા બોયફ્રેન્ડ અસલી નથી એઆઈ સ્વરૂપમાં છે.
60 લાખ મહિલાઓને એઆઇ બોયફ્રેન્ડ
ચીનમાં એઆઈ બોયફ્રેન્ડને અપનાવનારી મહિલાઓના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. શાંઘાઈમાં રહેનારી 32 વર્ષીય એલિસિયા વાંગને ‘પરફેક્ટ બોયફ્રેન્ડ’ મળ્યો છે. તેનો 27 વર્ષનો બોયફ્રેન્ડ લી શેન એક સર્જન છે. તે એલિસિયાના તમામ ફોન કોલ અને મેસેજનો જવાબ આપે છે. આ સાથે જ લી ગર્લફ્રેન્ડની તમામ વાતોને ધ્યાનથી સાંભળે છે. જોકે લીની એક જ ખામી છે કે, તેનું અસ્તિત્વ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનના સ્ક્રીન સિવાય છે જ નહીં. એલિસિયાએ લી પાછળ રૂપિયા 5 લાખનો ખર્ચ કર્યો છે. ચીનમાં એલિસિયા જેવી 60 લાખ મહિલાઓ છે જે કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન પર માની બેઠેલા બોયફ્રેન્ડ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.
કરોડોનો બિઝનેસ
ચીનની મહિલાઓ વર્ચ્યુઅલ રીતે એક રોમેન્ટિક સંબંધમાં બંધાતી હોવાનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી ચીનમાં એઆઈ ઉદ્યોગ ઝડપથી ફૂલી-ફાલી રહ્યો છે. આ પ્રકારની એઆઈ એપ પાછળ યાઓ રુનહાઓ નામના 37 વર્ષીય બિઝનેસમેનનું મુખ્ય ભેજું છે. એઆઈ એપના લોન્ચિંગના મહિનાઓ બાદ તેની કંપની પેપર ગેમ્સની વેલ્યુ 2 બિલિયન ડોલરને પાર થઈ ગઈ છે. શાંધાઈસ્થિત આવા જ એક સ્ટાર્ટઅપ મિનિમૈક્સ દ્વારા એઆઈ પ્લેટફોર્મ ‘ગ્લો’ નામક એપ પર એક ચેટબોટ બનાવ્યો છે. આ એપ્લિકેશનના બેઝિક ફિચર નિઃશુલ્ક છે, અને કંપની પાસે અન્ય પેઈડ સુવિધા પણ છે. આ એપ ડાઉનલોડ કરનારાઓની સંખ્યા દૈનિક ધોરણે હજારોમાં છે. એક રિપોર્ટ અનુસાર, ચીનની મહિલાઓને વાસ્તવિક જીવનમાં એક આદર્શ પ્રેમી મળવો મુશ્કેલ છે, જેથી તેઓ એઆઈ બોયફ્રેન્ડ તરફ વળી છે. એઆઈ બોયફ્રેન્ડની ખાસિયત છે કે, તે ઝડપથી યુઝરના વ્યક્તિત્વ પ્રમાણે બની જાય છે અને યુઝરના સ્વભાવ પ્રમાણે વર્તવાનું શરૂ કરી દે છે.
ચીની યુવતીઓનું માનવું છે કે, એઆઈ બોયફ્રેન્ડ વાસ્તવિક બોયફ્રેન્ડ કરતાં વધુ સારી રીતે મહિલાઓ સાથે વાત કરવાની કળા જાણે છે. જયારે મહિલાઓને કોઈ પીડા થાય છે ત્યારે તેઓ સાંત્વના આપે છે. જોબ પરના પડકારો અને સમસ્યાઓ અંગે તેમની સાથે સારી રીતે વાત કરી શકાય છે.
નિષ્ણાતોની લાલ બત્તી
જોકે નિષ્ણાતો આવા વલણ સામે ચેતવણી આપી રહ્યાં છે. સાઈકોલોજિસ્ટ્સના મતે, મનમાં બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ માની લેવાના કિસ્સાઓની શરૂઆત ઈન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશથી શરૂ થઈ છે. જેમાં, અનેક યુઝર્સ એક્ટર્સ-એક્ટ્રેસિસ, મોડલ્સ અને ફેમસ પર્સનાલિટી સાથે થોડા ગપાટા મારીને રીલ્સ શેર કરીને તેમને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ માનવા લાગે છે. આવા કિસ્સાઓને કારણે વાસ્તવિક જીવનમાં રિયલલાઇફ સંબંધો ભાંગવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં કાર્નેગી મેલન યુનિવર્સિટિમાં માનવ કમ્પ્યૂટર ઈન્ટરેક્શન સંસ્થામાં સહાયક પ્રોફેસર હોંગ શેને કથિત રીતે જણાવ્યું છે કે, આ પ્રકારના એઆઈ સંચાલિત ડેટિંગ ચેટબોટ માનવ અને એઆઈ વચ્ચેની ગુપ્ત વાતચીતને ઉજાગર કરી દે છે. જે નૈતિક અને ગોપનિયતા બંને દૃષ્ટિએ ચિંતાજનક છે.