અવાજ વિનાની દુનિયા કલ્પી શકો ખરા? કહેવાય છે કે નાદ અથવા અવાજ સાથે જ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી અને એટલે જ સાઉન્ડ, અવાજ કે ધ્વનિ સર્વત્ર વ્યાપ્ત છે. કેટલાક અવાજ નરવા કાને સાંભળી શકાતા નથી તો લાઈવ કોન્સર્ટ્સ, ફાયરવર્ક્સ અને સ્ટેડિયમમાં ગુંજતો ભીડનો અવાજ, લાઉડસ્પીકરના કે ડીજેના અવાજ સહિત કેટલાક ઘોંઘાટ કહી શકાય તેવા અવાજો કાન ફાડી નાખે તેવા કર્કશ હોય છે. અવાજને ડેસિબલ્સ (dB)માં મપાય છે અને માનવી માટે ચોક્કસ ડેસિબલ્સથી મોટો અવાજ નુકસાનકારી હોય છે, જેનાથી અંશતઃ કે કાયમી બહેરાશ પણ આવી શકે છે.
હવે પ્રશ્ન એ આવે કે અત્યાર સુધી નોંધાયેલો સૌથી મોટો અવાજ કયો હોઈ શકે? આનો ઉત્તર તમે અવાજ કોને કહો છો તેમજ તેમાં પ્રાચીન ઐતિહાસિક રિપોર્ટ્સનો સમાવેશ થાય કે આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા મપાયેલા અવાજ પર વિશ્વાસ રાખો છો તેના પર રહેલો છે.
ઈન્ડોનેશિયાના જવાળામુખી ટાપુપર્વત ક્રાકાટાઉ અથવા ક્રાકાટોઆનો 1883માં થયેલો વિસ્ફોટ ઈતિહાસમાં સૌથી ઊંચા કે મોટા સાઉન્ડ તરીકે ગણાય છે. લોકોને આ પ્રચંડ વિસ્ફોટનો અવાજ 1,930 માઈલ દૂર (3,110 કિલોમીટર) પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થ અને 3,000 માઈલ (4,800 કિલોમીટર) દૂર મોરેશિયસ નજીકના રોડ્રિગ્સ સુધી સંભળાયો હતો અને વિશ્વભરના બેરોમીટર્સમાં તેના એકોસ્ટિક પ્રેશર વેવ્ઝ નોંધાયા હતા. વિસ્ફોટના 100 માઈલ (160 કિલોમીટર) સુધી તેના અવાજનું માપ 170 ડેસિબલ્સ હતું જે કાયમી બહેરાશ લાવવા પુરતું ગણાય. 40 માઈલથી દૂર (64 કિલોમીટર) સુધી અવાજ એટલો કઠોર હતો કે લોકોના કાનના પડદા પણ ફાટી ગયા હતા. ક્રાકાટોઆ વિસ્ફોટનો અવાજ આશરે 310 ડેસિબલ્સ સુધી પહોંચ્યો હોવાનો આધુનિક અંદાજ છે. આ ઉપરાંત, સાઈબિરિયામાં 1908માં ટુંગુસ્કા (Tunguska) મીટીઓર (ઉલ્કા)નો વિસ્ફોટ પણ સૌથી મોટો હોવાનું મનાય છે જેના પરિણામે સેંકડો સ્ક્વેર માઈલ્સમાં વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા અને સમગ્ર વિશ્વમાં પ્રેશર વેવ્ઝ નોંધાયા હતા.
ટુંગુસ્કા વિસ્ફોટ પણ લગભગ ક્રાકાટોઆ વિસ્ફોટના અવાજ જેટલો જ - આશરે 300થી 315 ડેસિબલ્સ વચ્ચે - હતો આમ છતાં, અતિ દૂરના વૈજ્ઞાનિક ઉપકરણોમાં જ તે રેકોર્ડ થયો હતો. બેરોમીટર્સ અને ઈન્ફ્રાસાઉન્ડ સેન્સર્સના વૈશ્વિક નેટવર્ક ધરાવતા આધુનિક યુગની વાત કરીએ તો જાન્યુઆરી 2022માં ટોન્ગાના હુન્ગા જ્વાળામુખી વિસ્ફોટનો અવાજ સૌથી મોટો ગણાય છે. યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેરબેન્ક્સમાં જીઓફિઝિકલ ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચ પ્રોફેસર ડેવિડ ફી પણ હુન્ગા વોલ્કેનિક વિસ્ફોટના ઘડાકાને સૌથી મોટો ગણાવે છે. વિસ્ફોટના ધડાકાને અલાસ્કા અને સેન્ટ્રલ યુરોપ સહિત હજારો માઈલ સુધી લોકોએ સાંભળ્યો હતો અને તેના ધ્વનિતરંગો સંખ્યાબંધ વખત પૃથ્વીને ફરી વળ્યા હતા. આશરે 1,200 માઈલ (2,000 કિલોમીટર) દૂર ન્યૂ ઝીલેન્ડ તથા 5,800 માઈલ (9,300 કિલોમીટર) દૂર અલાસ્કાના એન્કોરેજમાં અને 6,000 માઈલ (9,700 કિલોમીટર) દૂર કેનેડાના યુકોનમાં પણ આ પ્રચંડ ધડાકો સંભળાયો હતો.
આપણે કેટલો અવાજ સહન કરી શકીએ?
સામાન્ય રીતે લોકો આશરે 140 dB (ડેસિબલ્સ) સુધીનો અવાજ સહન કરી શકે છે જેનાથી વધુ અવાજ પીડાકારી અને અસહ્ય બની રહે છે. નિષ્ણાતો અનુસાર 90 dBથી વધુનો અવાજ સતત સાંભળવાથી શ્રવણશક્તિ કાયમી ગુમાવી દેવાનું જોખમ વધી જાય છે. થોડા કલાક સુધી 85 ડેસિબલ્સનો અવાજ, 14 મિનિટ સુધી 100 ડેસિબલ્સ અથવા બે મિનિટ સુધી 110 ડેસિબલ્સનો અવાજ સતત સાંભળવામાં આવે તો કાન સુન્ન થઈ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ શહેરોમાં આવાજનું સુરક્ષિત ધોરણ 45 dB હોવાનું જણાવ્યું છે.
•••
અવાજના સ્તરનો ચાર્ટ
અવાજ dB (ડેસિબલ્સ)
શ્વાસ લેવો 10 dB
ધીમેથી બોલવું 30 dB
રૂમમાં સરેરાશ અવાજ 40 dB
મધ્યમ વરસાદ 50 dB
સામાન્ય વાતચીત 60 dB
ઓફિસમાં અવાજ 70 dB
વેક્યુમ ક્લીનર 80 dB
શહેરનો ટ્રાફિક/હેર ડ્રાયર 90 dB
મોટર સાઈકલ અને ટ્રેન 100 dB
રોક કોન્સર્ટ અને સાઈરન 120 dB
જેટ એન્જિન ટેક-ઓફ 130 dB
ફટાકડા અને બંદૂક 140 dB
•••


