અદાણી-અંબાણી સહિત વિશ્વના ટોપ-10 બિલિયોનર્સની સંપત્તિમાં ઘટાડો

Wednesday 18th May 2022 07:42 EDT
 
 

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર બિલિયોનર્સની યાદી દર વર્ષે પ્રગટ કરનાર ‘ફોર્બ્સ’ની 36મી યાદીમાં પહેલી જ વખત ટોપ-ટેન બિલિયોનર્સની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં વધારાને બદલે ઘટાડો થયો છે. અને આમ છતાં તેમની સંપત્તિ સૌથી વધુ છે. ‘ફોર્બ્સ’ની યાદીમાં સાત બિલિયોનર્સ યુએસના, બે ભારતના અને એક ફ્રાન્સના છે. ટોપ-ટેનમાં અમેરિકા પછી બીજા નંબરે ભારત છે. કોરોના પેન્ડેમિક અને રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે વિશ્વમાં બિલિયોનર્સની સંખ્યા ઘટી છે.
બિલિયોનર્સની સંખ્યા પણ ઘટી
યાદીમાં કુલ 2,668 બિલિયોનર્સ છે જે ગયા વર્ષ કરતાં 87 ઓછા છે. તેમની કુલ સંપત્તિ 12.7 લાખ કરોડ ડોલર છે એમાં પણ ગયા વર્ષ કરતાં 40,000 કરોડ ડોલરનો ઘટાડો છે. 2,668માંથી માત્ર 1,000 એવા છે જેમની સંપત્તિમાં વૈશ્વિક કટોકટી છતાં ગયા વર્ષ કરતાં વધારો થયો છે. બાકી બધાની સંપત્તિમાં ઘટાડો થયો છે.
યૂક્રેન પર આક્રમણના કારણે આવેલા આર્થિક પ્રતિભાવના કારણે રશિયાના 34 બિલિયોનર ઘટયા છે અને ચીનમાં સરકારે કડક હાથે કામ લેતાં ચીનના 87 બિલિયોનેર ઓછા થયા છે. બિલિયોનેરમાં 236 નવા નામ પણ સામેલ થયા છે તેમાં બાર્બાડોસ, બલ્ગેરિયા, એસ્ટોનિયા અને ઉરુગ્વેમાંથી પહેલી જ વખત બિલિયોનર આ યાદીમાં આવ્યા છે.
23,710 કરોડ ડોલરની અધધધ સંપત્તિ સાથે ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીના માલિક એલન મસ્ક પહેલી વખત ટોચના સ્થાને છે. સંપત્તિમાં ઘટાડાનો માર ખમવામાં પણ 1,870 કરોડ ડોલરના ઘટાડા સાથે એલન મસ્ક ટોચના સ્થાને છે. એલન મસ્કે ટ્વિટર ખરીદવાનો સોદો કર્યો એ પછી તેની ટેસ્લા ઇલેક્ટ્રિક કાર કંપનીના શેરમાં 12 ટકાનો કડાકો બોલ્યો હતો.
યાદીમાં બીજા નંબરે આવતા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ એન્ડ ફેમિલીની સંપત્તિ 13,460 કરોડ ડોલર છે. LVMH Moet Hennessy Louis Vuitton (લૂઈ વિટ્ટોં મોએત હેન્ન) નામની લક્ઝરી આઈટમ્સ, વાઈન, સ્પિરિટ બનાવતી તેમની કંપની અને ફેશન હાઉસ ફુલફ્લેજ બિઝનેસ કરે છે. જોકે તેમની સંપત્તિમાં પણ 330 કરોડ ડોલરનો ઘટાડો થયો છે.
ત્રીજા નંબરે આવનાર અમેરિકાના જેફ બેજોસ 13,460 કરોડ ડોલરની સંપત્તિ ધરાવે છે. તે વિશ્વની નંબર વન ઈ-માર્કેટિંગ કંપનીના માલિક છે. તેની સંપત્તિમાં 600 કરોડ ડોલરનો ઘટાડો થઈ ગયો છે.
ચોથા નંબરે 12,650 કરોડ ડોલરની સંપત્તિ સાથે માઇક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સ આવે છે. તેની સંપત્તિમાં 250 કરોડ ડોલરનો ઘટાડો થયો છે.
પાંચમા નંબરે રહેલા બર્કશાયર હેથવે નામની વિશ્વની સૌથી મોટી હોલ્ડિંગ કંપનીના માલિક વોરન બફેટની સંપત્તિમાં 200 કરોડ ડોલરનો ઘટાડો થયો છે. તેમની સંપત્તિ હવે 11,350 કરોડ ડોલરની રહી છે.
છઠ્ઠો નંબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમોડિટીઝમાં વ્યાપક બિઝનેસ કરનાર ભારતના અદાણી ગ્રૂપ ઓફ કંપનીઝના ગૌતમ અદાણીનો આવે છે. તેમની સંપત્તિ 11,220 કરોડ ડોલર છે. તેમની સંપત્તિમાં 1,160 કરોડ ડોલરનો ઘટાડો થયો છે.
સાતમા નંબરે આવનાર લેરી એલિસનની સંપત્તિ 9,920 કરોડ ડોલર છે. તે ઓરેકલ કોર્પોરેશન નામની સોફ્ટવેર કંપની ચલાવે છે. તેની સંપત્તિમાં 220 કરોડ ડોલર ઘટી છે.
આઠમો નંબર 9,710 કરોડ ડોલરની સંપત્તિ સાથે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સ્થાપક ભાગીદાર લેરી પેજનો આવ્યો છે, તેની સપત્તિમાં 230 કરોડ ડોલરનો ઘટાડો થયો છે.
નવમો નંબર 9,340 કરોડ ડોલરની સંપત્તિ ધરાવતા ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના બીજા સ્થાપક ભાગીદાર સર્ગેઈ બ્રિનનો છે. તેની સંપત્તિમાં 220 કરોડ ડોલરનો ઘટાડો જોવાયો છે.
દસમા ક્રમે રિલાયન્સના નામે પેટ્રોલિયમ રિફાઇનરીથી માંડીને ટેલિકોમ ક્ષેત્રે કારોબાર ધરાવતા ભારતના મુકેશ અંબાણી છે. તેમની સંપત્તિ 9,310 કરોડ ડોલરની છે. તેમની સંપત્તિમાં 550 કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter