અને લાહોરની સાનિયા-મુકદ્દસ બની ગઇ ‘જસ્ટીન બીબીસ’

Tuesday 23rd June 2015 06:44 EDT
 
 

લાહોરઃ તમે કેનેડિયન પોપ સિંગર જસ્ટીન બિબરના ગીતો સાંભળ્યા હશે. એક આગવી સ્ટાઇલ અને ધમાકેદાર રજૂઆત. કોઇ તમને અસ્સલ તેની સ્ટાઇલમાં ગાવાનું કહે તો?! ફાંફા પડી જાય ને? પણ લાહોરની બે સોનિયા-મુકદ્દસની વાત અલગ છે. બન્ને બહેનો જસ્ટિન બિબરની એવી ‘ઓરિજિનલ’માં સ્ટાઇલમાં ગાય છે કે લોકોને લાઇવ પર્ફોમન્સ આપવા માટે બોલાવે છે. અને હા, એક વાત તો રહી જ ગઇ. આ બન્ને બહેનો અંગ્રેજી તો શું ઉર્દૂ ભાષા પણ બરાબર જાણતી નથી.
‘અમે સપનાં પણ નહોતું વિચાર્યું કે અમને આટલી પ્રસિદ્ધિ મળશે. જીવન આ રીતે બદલાઇ જશે. ટેલિવિઝન ચેનલોમાં અમને લાઇવ કાર્યક્રમ રજૂ કરવા માટે બોલાવાશે. ગીત પહેલાં અમારો મેકઅપ કરવામાં આવશે. વિમાનમાં પ્રવાસ કરવાની તક મળશે. સપનાં સાચાં પડવા જેવી આ વાત હતી કેમ કે એક સમયે અમારી હાલત એટલી ખરાબ હતી કે અમે ફી ભરી શકીએ તેમ ન હોવાથી અમને સ્કૂલમાંથી પણ કાઢી મૂકવામાં આવી હતી.’ પાકિસ્તાનના લાહોરમાં રહેનારી સાનિયા અને મુકદ્દસ પોતાની ગાથા કાંઇ રીતે જણાવવી શરૂ કરે છે.
આ બન્ને બહેનોને હવે લોકો 'જસ્ટિન બીબીસ'ના નામે ઓળખે છે. અંગ્રેજી તો છોડો તેમને ઠીકથી ઉર્દૂ પણ નથી આવડતું, પણ પોપ સિંગર જસ્ટિન બિબરના ગીતો બન્ને એટલી સરસ રીતે ગાય છે કે જેનો કોઇ જોટો જડે તેમ નથી.
આ સફરની શરૂઆત કઇ રીતે થઇ એવું પૂછતાં સાનિયા કહે છે કે, ‘ચાર વર્ષ પહેલાં અમે લતા મંગેશકર અને આશા ભોંસલેનાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું. અમે તેમના સૂરમાં ગાવાનો પ્રયાસ કરતા હતા. અમને ગાતાં જોઇને પડોશના ઘરોની બારીઓ અને ધાબે લોકો એકત્ર થઇ જતા હતા. દરમિયાન, અમે કેનેડાના સિંગર જસ્ટિન બિબરને સાંભળ્યો. તેમનો અવાજ અમારા હૃદયમાં ઉતરી ગયો હતો. અમને અંગ્રેજી બિલકુલ નહોતું આવડતું. તેથી બિબરનાં ગીતને ધ્યાનથી સાંભળ્યા. એક-એક શબ્દ ઉર્દૂમાં લખ્યો. તેને વાંચીને કલાકો સુધી ગાવાનો પ્રયાસ કર્યો. અને અમે અદ્લ તેમની જેમ ગાવા લાગ્યા. જે કોઇ અમને સાંભળતું, તે બધા ચકિત થઇ જતા હતા. આ દરમિયાન બિબરે ગાયેલું ‘બેબી’ ગીત ગાતો અમારો વીડિયો વાયરલ થયો અને તેણે અમને દુનિયાભરમાં ચમકાવી દીધી.’
બન્ને બહેનો કહે છે કે હવે અમને વિદેશોમાં પણ ગાવા માટે બોલાવવામાં આવે છે. અમે પ્રોફેશનલ સિંગર બનવા માગીએ છીએ. કોક સ્ટુડિયોએ પણ અમારા ગીત રેકોર્ડ કર્યા છે. પણ તેના કરતા પણ વધારે આતુરતાથી અમને બોલિવૂડનાં ગીતો ગાવાનો ઇન્તજાર છે. અમારી આ અંતરમનની ઇચ્છા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter