અફઘાનિસ્તાનને ૬.૪ કરોડ ડોલરની આર્થિક મદદ કરવા અમેરિકાની જાહેરાત

Friday 17th September 2021 06:24 EDT
 
 

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને વચગાળાની સરકારની રચના પછી અમેરિકાએ સોમવારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા નિર્ણય લીધો છે. અમેરિકા અફઘાનિસ્તાનની જનતાને અંદાજે ૬.૪ કરોડ ડોલરની આર્થિક મદદ કરવા જઇ રહ્યું છે. ટોલો હાઉસ મીડિયા ન્યૂઝે જણાવ્યા મુજબ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂતપદ સંભાળી રહેલા થોમ્પસન ગ્રીનફિલ્ડે આ આર્થિક સહાયતાને માનવીય સહાયતા કહી છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ગંભીર છે. તેવામાં અમેરિકાએ નવી માનવીય સહાયતાના રૃપમાં ૬.૪ કરોડ ડોલરની સહાય આપવા વચન આપ્યું છે. અમેરિકા જમીની હકીકતોની સમીક્ષા કર્યા પછી ભવિષ્યમાં વધુ મદદ માટે પણ વિચારશે.
અમેરિકા પહેલાં ચીન પણ અફઘાનિસ્તાનની સરકારને સહાય કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. ચીને અફઘાનિસ્તાનને ૨૦ કરોડ યુઆન (૩.૧ કરોડ ડોલર)ની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તેમાં ફૂડ સપ્લાય અને કોરોના વાઇરસ વેક્સિનનો પણ સમાવેશ થાય છે. ચીને પણ કહ્યું હતું કે નવી વચગાળાની સરકારની રચના અફઘાનિસ્તાનમાં વ્યવસ્થા બહાલ કરવા માટે જરૃરી હતી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અફઘાનિસ્તાનના આર્થિક સંકટનો મુદ્દો ઉઠાવીને અપીલ કરી હતી કે અમેરિકા અને અન્ય દેશો પણ અફઘાનિસ્તાનના લોકોને મદદ કરે.
અફઘાન મુદ્દે અજિત ડોભાલનું CIAના વડા અને રશિયાના NSA સાથે મંથન
અફઘાનિસ્તાનમાં સર્જાઇ રહેલા ઘટનાક્રમ મુદ્દે ભારત વોશિંગ્ટન અને મોસ્કો એમ બંને સાથે મંથન કરી રહ્યું છે. બંને દેશોના ગુપ્તચર એકમના ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળો દિલ્હીમાં છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે તાલિબાને મંગળવારે અફઘાનિસ્તાનના ભાવિ સરકાર અને કેબિનેટ સભ્યોના નામની જાહેરાત કરી તે જ દિવસે ભારતની મુલાકાતે આવેલા અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઇએના વડા વિલિયમ્સ બર્ન્સ સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ વિષે ચર્ચા કરી હતી. બંને વચ્ચેની બેઠકમાં શી ચર્ચા થઇ તે હકીકત બહાર નથી આવી, પરંતુ કહેવાઇ રહ્યું છે કે બેઠકમાં મહદઅંશે સુરક્ષા મુદ્દે ચર્ચાવિચારણા થઇ હતી. ત્રણ સપ્તાહ પહેલાં તાલિબાને કાબુલનો કબજો લીધો ત્યારે અન્ય દેશોની સાથે ભારતે પણ પોતાના દૂતાવાસના કર્મચારીઓને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી લીધા હતા. જોકે રશિયા અને પાકિસ્તાનના દૂતાવાસ યથાવત્ ચાલુ રહ્યા હતા. બર્ન્સ સાથેની બેઠકમાં ભારતે કદાચ પોતાની ચિંતાના મુદ્દે ચર્ચા કરી હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter