લંકાવી: મલેશિયન વડા પ્રધાન મહાતિર મોહમ્મદે તેમનો દેશ પામ તેલની આયાતનો બહિષ્કાર કરવાના ભારતના નિર્ણય વિરુદ્ધ કોઈ જવાબી કાર્યવાહી નહીં કરે તેવી સ્પષ્ટતા ૨૦મીએ કરી હતી. મહાતિર મોહમ્મદના કહેવા પ્રમાણે ભારત જેવી વિશાળ અર્થવ્યવસ્થા સામે મલેશિયા ન ટકી શકે અને માટે જ જવાબી કાર્યવાહીનો સવાલ જ નથી ઉદ્ભવતો. સાથે જ તેમણે જવાબી કાર્યવાહી કરવા માટે તેમનો પનો ટૂંકો પડે તે વાત સ્વીકારી હતી.
ભારત દ્વારા પામ તેલની આયાતનો બહિષ્કાર કરવામાં આવતા મલેશિયાએ હવે આટલા વિશાળ બજારના નુકસાન સામે અન્ય રસ્તાઓ શોધવા પડશે. ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વમાં ખાદ્ય તેલનું સૌથી મોટું આયાતકાર છે અને મલેશિયા ભારતને ખાદ્ય તેલની સૌથી વધુ નિકાસ કરે છે.