વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયા-યુક્રેન સંકટ પર મંગળવારે દેશને સંબોધન કર્યુ. જેમાં બાઈડેને કહ્યું કે તેઓ મોસ્કો દ્વારા ડોનેત્સ્ક અને લુહાંસ્ક પીપલ્સ રિપબ્લિકની માન્યતા અને ડોનબાસમાં શાંતિ સેનાને તહેનાત કરવાના જવાબમાં રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે. જેના અંતર્ગત બાઈડેને રશિયાની બે આર્થિક સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી.
બાઇડેને પોતાની પ્રથમ તબક્કાની કાર્યવાહી અંતર્ગત રશિયન સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મિલિટરી બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. જો બાઈડેને પોતાના સંબોધનમાં કહ્યું કે રશિયા બુધવારથી લાગુ થનારા પ્રતિબંધો પછી પશ્ચિમી દેશો સાથે વ્યાપાર નહીં કરી શકે.
રશિયાએ યુક્રેન પર હાલ તો હુમલો કર્યો નથી પરંતુ તેના બે પ્રાંત (લુહાન્સ્ક-ડોનેત્સ્ક)ને અલગ દેશનો દરજ્જો આપવાની ઘોષણા કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ બંને રાજ્યોમાં શાંતિ જાળવવા માટે સેના પણ મોકલી દીધી છે.
હવે યુદ્ધનું જોખમઃ અમેરિકા
ન્યૂ યોર્ક ટાઈમ્સના અનુસાર, અમેરિકાએ રશિયાની હરકતને ઈન્ટરનેશનલ લો વિરુદ્ધ પડકાર ગણાવી છે. અમેરિકાએ કહ્યું કે હવે યુદ્ધનું જોખમ પેદા થઈ ગયું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને ટૂંકી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કરી દીધું છે. બાઈડેને રશિયાના મહત્વપૂર્ણ લોકો અને બેંકો પર આકરા પ્રતિબંધો જાહેર કર્યા છે.
યુએન સિક્યુરિટી કાઉન્સિલની તાકિદની બેઠક
રશિયા-યુક્રેન સંકટ વચ્ચે યુએન સિક્યુરિટી કાઉન્સિલની ઈમર્જન્સી બેઠકમાં પશ્ચિમના દેશોએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પગલા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ડોનેત્સ્ક તથા લુહાંસ્કમાં સેના મોકલવાના નિર્ણય બાદ હવે રશિયાએ યુક્રેનથી રાજદ્વારીઓને જલદીથી નિકળી જવા માટે કહ્યું છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા પ્રમાણે રશિયાની આશરે ૧૦૦ જેટલી ટ્રક યુક્રેન તરફ જતા જોવા મળી છે. બીજી બાજુ રશિયાની ટેન્કો ડોનેત્સ્ક શહેર તરફ જતી જોવા મળી છે ત્યારે યુક્રેનના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તે તમામ પડકારનો સામનો કરવા તૈયાર છે.
યુક્રેન પાસે હવે મર્યાદિત વિકલ્પઃ રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે યુક્રેન સંકટ મુદ્દે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે યુક્રેન પાસે હવે સૌથી સારો વિકલ્પ એ બચ્યો છે કે તે નાટોના સભ્ય બનવાનો પ્રયત્ન ન કરે અને આ અંગેના વિચારને સંપૂર્ણપણે છોડી તથા તમામ હથિયારોનો છોડી સંપૂર્ણપણે હથિયાર મુક્ત થઈ જાય. તેમણે કહ્યું કે હથિયારોથી ભરેલું યુક્રેન રશિયા માટે જોખમી છે અને તે રશિયાવિરોધી પ્રવૃત્તિ છે. પુતિને મિંસ્ક સમજૂતી અંગે કહ્યું કે આ સમજૂતીનો હવે કોઈ અર્થ રહ્યો નથી. કારણ કે આ સમજૂતીનું યુક્રેન ઘણા સમય અગાઉ જ કરી ચુક્યું છે.
જર્મનીએ રદ્દ કરી મહત્વની નોર્ડ સ્ટ્રીમ પરિયોજના
જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્ઝે મંગળવારે રશિયા સાથેની પોતાની મહત્વની નોર્ડ સ્ટ્રીમ-ટુ પાઈપલાઈન પરિયોજનાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે બે શહેરો- ડોનેત્સ્ક તથા લુહાંસ્કમાં પોતાના સૈનિકો મોકલવાની શરૂઆત કરી છે. નોર્ડ સ્ટ્રીમ-ટુ પાઈપલાઈન યુરોપ તથા સમગ્ર રશિયા માટે ઘણી મહત્વની છે. રશિયા આ પરિયોજના મારફતે જર્મનીમાં તેનો ઓઈલ-ગેસ સપ્લાઈ બે ગણો કરવાની યોજના ધરાવતું હતું.