વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને 90 દિવસ માટે સ્થગિત કરવા તૈયાર થયા છે. આ સમયગાળામાં બંને વેપારમંત્રણા કરી વિવાદ ઉકેલશે.
વિશ્વની બે આર્થિક મહાસત્તાઓએ વેપાર વિવાદ ઉકેલવાની દિશામાં આગળ વધતા હચમચી ઉઠેલા વૈશ્વિક અર્થતંત્રએ રાહત અનુભવી હતી. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકા ચીનની માલસામગ્રી પર 145 ટકાનો ટેરિફ 115 ટકા ઘટાડી 30 ટકા કરવા સંમત થયું છે. જ્યારે ચીન પણ અમેરિકાની માલસામગ્રી પરના વેરાને ઘટાડી 10 ટકા પર લાવવા સંમત થયું છે.
જિનિવામાં પત્રકાર પરિષદમાં ગ્રીર અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે આ ટેરિફ ઘટાડાની જાહેરાત કરી હતી.
બીજી તરફ, ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશ એકબીજાની માલસામગ્રી પર 91 ટકા ટેરિફ રદ કરવા સંમત થયા છે. તેની સાથે બીજા 90 દિવસ માટે 24 ટકા ટેરિફ સસ્પેન્ડ કરવા સંમત થયા છે. આના પગલે કુલ 115 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયે આ કરારને બંને દેશ વચ્ચે મતભેદો પાછળ છોડી દેવા અને ભાવિ સહયોગનો પાયો નાખવાની દિશામાં મહત્ત્વનો ગણાવ્યો હતો.