અમેરિકા ચૂ્ંટણી જંગ: પ્રિ-પોલમાં બિડેનની સરસાઈ, ટ્રમ્પે કહ્યું મત સ્વીકારને પડકારાશે

Tuesday 03rd November 2020 15:06 EST
 
 

વોશિંગ્ટનઃ કોરોના મહામારી વચ્ચે રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન વચ્ચે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આક્રમક જંગ પ્રચાર અભિયાનથી જ જામ્યો હતો. અમેરિકામાં મંગળવારે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન વચ્ચે અમેરિકાના દરેક રાજ્યમાં મતદાનનો સમય અલગ અલગ હતો. આ ચૂંટણી પહેલાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને પ્રિ-પોલમાં ટ્રમ્પ પર ૧૦ અંકની સરસાઈ મેળવી હતી. એનબીસી અને વોલસ્ટ્રીટ જર્નલના પોલ પ્રમાણે બિડેન ૫૨ ટકા અને ટ્રમ્પ ૪૨ ટકા મતદારોનો સપોર્ટ મેળવી શકવાની વકી દર્શાવી હતી. આ ફાઈનલ પ્રિ-પોલમાં ૧૨ સંયુક્ત બેટલ ગ્રાઉન્ડમાં બિડેન ટ્રમ્પથી ૬ ટકા આગળ હતા. પ્રિ-પોલમાં એરિઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, લોવા, મેન, મિશિગન, મિનેસોટા, નોર્થ કેરોલિના, ન્યૂ હેમ્પશાયર, નેવાડા, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન સામેલ હતાં.
ચૂંટણી પછી મત સ્વીકારને પડકાર
ટ્રમ્પે એનબીસી અને વોલસ્ટ્રીટ જર્નલના પોલ - અહેવાલોને ફગાવતાં જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા પહેલાં જ તેઓ પોતાને વિજેતા જાહેર કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, આ પ્રકારના સમાચારો પ્રકાશિત કરનારા સામે હું કાયદેસરની કાર્યવાહી કરી શકું છું. ચૂંટણી તારીખ પછી પણ ડાક મતપત્રકો સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો દુ:ખદ છે. તેને હું અદાલતમાં પડકારીશ.
હ્યુસ્ટનમાં વોટ રિજેક્ટની અરજી ફગાવી
હ્યુસ્ટન એરિયામાં ડ્રાઇવ-થ્રૂ વોટિંગ સ્ટેશન્સ પર કરાયેલા લગભગ ૧ લાખ ૨૭ હજાર મતને રિજેક્ટ કરવાની રિપલ્બિકનની આગેવાની હેઠળની અરજીને ટેક્સાસ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી હતી. GOP એક્ટિવિસ્ટ અને ઉમેદવારોની અરજીને તમામ રિપબ્લિકન હાઇ કોર્ટે પણ ફગાવી હતી. ફેડરલ કોર્ટમાં હેરિસ કાઉન્ટી બેલોટ્સને ફગાવવાના પ્રયાસોના મામલાને ઇમર્જન્સી હિયરિંગમાં હાથ પર લેવાનું જાહેર થયું હતું. હેરિસ કાઉન્ટી ક્લાર્ક્સની કચેરી માટેના એટર્ની સુસાને જણાવ્યું કે, અમને આનંદ છે કે ટેક્સાસ સુપ્રીમે તેમની ડ્રાઇવ-થ્રૂ વોટિંગ ગેરકાયદે હોવાની દલીલને અમાન્ય ઠેરવી છે.
ફ્લોરિડામાં મતદાન
નિર્ણાયક સ્વિંગ સ્ટેટ ગણાતા ફ્લોરિડામાં ૧૦માંથી ૬ મતદાતાઓએ જણાવ્યું હતું કે, તેમણે મેલ મારફતે અથવા વહેલા મતદાન મારફતે ૩જી અગાઉ મત આપી દીધો હતો. બીજી તરફ અન્ય એક નિર્ણાયક સ્વિંગ સ્ટેટ ગણાતા પેન્સિલ્વેનિયાના ૫૮ ટકા વોટર્સે ચૂંટણીના દિવસે જ મતદાન કરવાનું જાહેર કર્યું હતું.
હિંસક દેખાવોની આશંકા
અમેરિકાના અનેક રાજ્યોમાં ચૂંટણી દરમિયાન હિંસક દેખાવોની આશંકાને પગલે વોશિંગ્ટન ડીસી સહિતનાં રાજ્યોમાં પોલીસ વિભાગની રજાઓ રદ કરાઈ હતી. હિંસાની શક્યતાઓને લઇને વ્હાઇટ હાઉસ, મુખ્ય કમર્શિયલ એરિયા અને બજારોની સુરક્ષા વધારાઈ હતી. સિક્રેટ સર્વિસે વ્હાઇટ હાઉસને કિલ્લામાં ફેરવી દીધું હતું. રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનના પ્રાંગણની ચારેય તરફ એક અસ્થાયી ઊંચી દીવાલ બનાવાઈ હતી.
પ્લાયવૂડ ફિટ કરીને સુરક્ષા
ચૂંટણીમાં હિંસક અને ઉગ્ર દેખાવોની આશંકાને પગલે લોકોએ પોતાનાં ઘર, દુકાનો, મોલ અને સ્ટોર બહાર પ્લાયવૂડ ફિટ કરીને સુરક્ષા વધારી હતી. શિકાગો અને ન્યૂ યોર્કમાં પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કરાયો હતો. છેલ્લા મતદાન પહેલાં બેવર્લી હિલ્સ સહિતના કેટલાક સ્થળે હિંસક અથડામણો, દેખાવો, રસ્તા રોકવાથી જામ જેવી પરિસ્થિતિ સર્જાતાં લોકોએ પહેલેથી તેમના ઘર - સ્ટોરની બારીઓ પણ સીલ કરી હતી. સ્ટોરમાલિકોએ પ્લાયવૂડ લગાવીને બારી - દરવાજા સીલ કર્યાંના અહેવાલ હતા. આ પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પે અમેરિકન ચૂંટણીની અખંડતા પર શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ ચૂંટણીની મતગણતરી લાંબા સમય સુધી ચાલવી જોખમકારક છે. આ ચૂંટણીમાં જીત માટે ઈલેક્ટ્રોલ કોલેજના ૨૭૦ મત મહત્ત્વના સાબિત થાય છે. ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારાં રાજ્યોમાં ટ્રમ્પની તાબડતોડ રેલીઓ ચાલી હતી અને બિડેનની તુલનામાં તેમની રેલીઓમાં વધુ ભીડ જોવા મળી હતી.
દસ રાજ્યોમાં નેશનલ ગાર્ડ
ચૂંટણીમાં હિંસા ફેલાવવા હથિયારોના વેચાણ અને રમખાણોની આશંકા બાદ અમેરિકાના દસ રાજ્યોમાં નેશનલ ગાર્ડને તૈનાત કરવાની યોજના ઘડાઈ હતી જ્યારે ૧૫ અન્ય રાજ્યોમાં આ માટે વિચાર કરાયો હતો.
હથિયારોની ખરીદી વધી
યુએસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિંસા ભડકાવવાની શંકા વચ્ચે હથિયારોની ખરીદી વધતાં એવી સ્થિતિ થઈ કે રિટેલ સ્ટોર વોલમાર્ટે ગનની ખરીદી પર પ્રતિબંધ લગાવવો પડ્યો હતો. એક સર્વેમાં પણ સામે આવ્યું કે ચારમાંથી ત્રણ અમેરિકનો ચૂંટણીના દિવસે હિંસાને લઇને ચિંતિત હતા.અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખની પસંદગી માટેના મતદાન અગાઉ પહેલી નવેમ્બરે બર્લિનનાં મેડમ તુસાદ મ્યુઝિયમે ટ્રમ્પનાં વેક્સનાં પૂતળાને કચરા ટોપલીમાં જવા દીધું હોવાના અહેવાલો હતા. પ્રમુખપદની ચૂંટણી અગાઉના પોલમાં ટ્રમ્પ બિડેનથી પાછળ ચાલતાં હોવાની આ અસર જોવાયાનું કહેવાય છે. પૂતળાની આ તસવીર સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે.
બિડેનની જીત ભારતીય બજારમાં તેજી
રાજકીય વિશેષજ્ઞોના મત પ્રમાણે, અમેરિકન કોંગ્રેસ ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ મત ગણતરી કરશે અને વિજેતાની ઔપચારિક જાહેરાત કરશે ત્યાં સુધી ભારત અને બીજાં બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. કોરોના વાઈરસ સંક્રમણના કેસ ફરી વધવાથી અને અમેરિકાની ચૂંટણીને કારણે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ભારતીય બજારમાં બે ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. ફેડ પોલિસી, સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને વેપાર તેમજ વિદેશ નીતિ ભારતીય રોકાણકારો માટે વરદાન બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter