ગ્વાટેમાલાઃ સેન્ટ્રલ અમેરિકન દેશ ગ્વાટેમાલામાં વોલ્કાનો ડિ ફ્યુગો' જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થયા પછી પાંચમી જૂને કાટમાળમાંથી વધુ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુઆંક ૬૫ સુધી પહોંચી ગયો છે અને તેમાં વધારો થવાની શક્યતા છે. ડિઝાસ્ટર રિલિફ એજન્સીના સ્પોક્સપર્સન ડેવિડ ડી લિઓને જણાવ્યું કે, પીડિતોની શોધના અમુક કલાકો પછી જ મૃતકોની સંખ્યા વધીને ૬૫ થઇ ગઇ છે. આ ઘટનામાં ૪૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્વાળામુખીમાંથી લાવા ઝડપથી વહીને ગામોમાં પહોંચી ગયો અને ઘરોમાં બેઠેલા અનેક લોકો તેમાં બળીને મૃત્યુ પામ્યા.
જ્વાળામુખી ફાટવાના કારણે ૧૭ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે જ્યારે ૩૨૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ૩૭૬૩ મીટર ઉંચે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં રાખના વાદળો છવાઇ ગયા હતા.
ગ્વાટેમાલા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ફ્યુગો જ્વાળામુખીના દક્ષિણ તરફ વસવાટ કરતાં સમુદાયોમાં પીડિતોની શોધ ફરીથી શરૂ થયા બાદ મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે અને ગ્વાટેમાલાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના સર્ગિયો કબાનાસના જણાવ્યા અનુસાર, અનેક લોકો હજુ પણ ગુમ છે.