અમેરિકાનો પ્લાન-બીઃ હવે ઇરાન-ઇરાકમાંથી નવો દેશ કુર્દિસ્તાન બનાવવાની વેતરણમાં

Sunday 15th March 2026 05:15 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકા ઈરાન સાથેના યુદ્ધનો ઉપયોગ કરીને ઈરાન અને ઇરાકમાંથી નવો દેશ કુર્દિસ્તાન બનાવવાની વેતરણમાં છે. ઇરાન સાથેના યુદ્ધમાં કુર્દો અમેરિકાને તે શરતે જ મદદ કરવા તૈયાર છે કે તેમના નવા દેશ કુર્દિસ્તાનને માન્યતા આપવામાં આવે. તેમાં ઈરાન અને ઈરાક બંનેના કુર્દ બળવાખોરોના જૂથોનો સમાવેશ થાય છે. અલગ દેશની માન્યતા ન મળે તો કુર્દો બલિના બકરા બનવા તૈયાર નથી.
હાલમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સમજી ગયા છે કે ઈરાનની ધરતી પર લશ્કર ઉતારવું તે કંઈ અફઘાનિસ્તાનમાં કામગીરી બજાવી તેટલું સરળ નહીં હોય. જો ઇરાનમાં અમેરિકા તેનું લશ્કર ઉતારે તો ખાસ્સી ખુવારી વેઠવી પડે તેમ છે. તેથી જ ટ્રમ્પે દુશ્મનનો દુશ્મન દોસ્ત તે ન્યાયે ઇરાન અને ઈરાક બંનેના બળવાખોર કુર્દ જૂથોને સાધ્યા છે. ટ્રમ્પ શાસન તેમને શસ્ત્રો આપશે અને તેઓ આ શસ્ત્રોથી ઇરાન સામે લડશે. પ્રમુખ ટ્રમ્પને સ્વાભાવિક રીતે આ દરખાસ્તમાં રસ છે. એક તો કુર્દિસ્તાન બને તો ઈરાન અને ઈરાક કાયમ માટે નબળું પડી જાય તેમ છે. આ સિવાય ઇરાન અને ઈરાકની વચ્ચે અમેરિકન સમર્થક દેશ પણ તેમને મળી શકે તેમ છે. આ ઉપરાંત અમેરિકા ત્યાં તેનું લશ્કરી થાણું પણ નાખી શકે તેમ છે. જોકે હજી ટ્રમ્પ અને કુર્દિશ બળવાખોરો વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. તેની સાથે કુર્દિશ બળવાખોરોએ નિયમિત રીતે શસ્ત્ર પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરી છે. કુર્દિશ બળવાખોરોનું એક જૂથ માને છે કે આગામી સપ્તાહથી દસ દિવસમાં આ બાબતનો નિર્ણય લેવાઈ શકે છે. તેઓ ઈરાન સામે ઉતરતા અમેરિકા માટે તો સ્પષ્ટ કરી દેવા માંગે છે કે તેઓ તો આ યુદ્ધ પોતાના નવા દેશ કુર્દિસ્તાન માટે લડવા માંગે છે. તેથી જો અમેરિકાનું તેને સમર્થન હોય તો જ તે ઈરાનના લશ્કર સામે સીધુ લડવા ઉતરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter