અમેરિકામાં એક દિવસમાં ૧.૩૬ લાખ નવા કોવિડ કેસ: યુરોપમાં કપરી સ્થિતિ

Wednesday 02nd December 2020 06:10 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના રોગચાળાની વિનાશક અસર અટકવાનું નામ લેતી નથી. હાલમાં કોરોનાના કારણે સૌથી વધારે મોત યુરોપમાં થઇ રહ્યા છે. અહીં દરરોજ ૩થી ૪ હજાર લોકો સંક્રમણના કારણે મોતને ભેટી રહ્યા છે.
ઇટાલી, પોલેન્ડ, રશિયા, યુકે, ફ્રાન્સ સહિત ૧૦ દેશમાં રોજ સરેરાશ ૧૦૦થી ૭૦૦ લોકોના મોત થાય છે. મૃત્યુઆંકના મામલે યુરોપ બાદ બીજા ક્રમ પર નોર્થ અમેરિકા છે અને ત્રીજા ક્રમ પર એશિયા છે.
દુનિયામાં અત્યાર સુધીમાં ૬.૩૧ કરોડથી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેમાંથી ૪.૩૬ કરોડ લોકો સાજા થઇ ગયા છે જ્યારે ૧૪.૬૬ લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં પરિસ્થિતિ ગંભીર થઇ રહી છે.
અમેરિકામાં એક દિવસમાં ૧,૩૬,૩૧૩ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા હતા અને ૨૪ કલાકમાં ૮૧૮ દર્દીના મોત થયા હતાં. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડાયરેક્ટર એંથની ફોસીએ સતત બીજો વેવ આવવાની ચેતવણી ઉચ્ચારી છે. અમેરિકામાં વિશ્વમાં સૌથી વધારે ૫૦ લાખ એક્ટિવ કેસ છે.

વેક્સિનના ઇમરજન્સી વપરાશ માટે રજૂઆત

અમેરિકન દવા કંપની ફાઇઝરે જાહેરાત કરી હતી કે તે અમેરિકન રેગ્યુલેટર પાસેથી તેની કોવિડ-૧૯ વેક્સિનના ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરીની માગણી કરશે. ફાઇઝર દ્વારા વિકસાવવામાં આવેલી વેક્સિનનું શરૂઆતનું વિશ્લેષણ દર્શાવે છે કે તેની અસરકારકતા ૯૫ ટકા સુધીની છે. ઇમર્જન્સી વપરાશના ટેગના કારણે પ્રોસેસ ઝડપથી શરૂ થઇ શકે છે.

‘હૂ’એ રેમડેસિવિરને હટાવી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ અન્ટિ-વાઇરલ દવા રેમડેસિવિરને કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની યાદીમાંથી દૂર કરી છે.
‘હૂ’એ જણાવ્યું હતું કે દુનિયાના જે દેશોમાં હોસ્પિટલ્સમાં સંક્રમિતોની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે તેને તાત્કાલિક રોકવો જોઈએ. ‘હૂ’ અનુસાર એવા કોઇ પુરાવા મળ્યા નથી કે આ દવા કોરોના મહામારીની સારવારમાં મદદરૂપ થાય છે.

મોડર્નાએ વપરાશની મંજૂરી માગી

૧૦૦ ટકા અસરકારકતાના દાવા સાથે મોડર્નાએ સોમવારે કોરોના વેક્સિનના ઇમર્જન્સી વપરાશની મંજૂરી માટે અમેરિકન નિયમનકાર યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ને સુપરત કરી છે. કંપનીને સૂચના આપવામાં આવી છે કે વેક્સિન માટે વિચારણા કરવા એફડીએ ૧૭ ડિસેમ્બરે બેઠક યોજશે.
ફેઝ-૩ ક્લિનિકલ ટ્રાયલમાં ૩૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો અને ટ્રાયલનું તારણ દર્શાવે છે કે ગંભીર કોવિડ-૧૯ના કિસ્સામાં વેક્સિનની અસરકારકતા ૧૦૦ ટકા માલૂમ પડી હતી અને રોગને વ્યાપક સ્તરે રોકવાના મોરચે તેની અસરકારકતા ૯૪ ટકા સાબિત થઇ હતી.
નવી ટ્રાયલના આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારીને રોકવાના મોરચે આ વેક્સિન ૯૪ ટકા અસરકારકતા ધરાવે છે અને આ આંકડા ફેઝ ૩ ક્લિનિકલ ટ્રાયલ્સના અગાઉના આંકડા સાથે સુમેળ ધરાવતા હોવાના કારણે ઇમર્જન્સી વપરાશની મંજૂરી માટે રજૂઆત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter