અમેરિકામાં એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીને નોકરી કરવા પરનો પ્રતિબંધ હટ્યો

Tuesday 02nd February 2021 16:12 EST
 
 

મુંબઈઃ એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને બાઈડેન સરકારે રદ કર્યો છે. અમેરિકામાં એચ-વનબી વિઝાધારકોના અંદાજિત ૯ લાખ જીવનસાથી માટે આ રાહતના સમાચાર છે. ટ્રમ્પ સરકારે ફેબ્રુઆરી ૨૦૧૯માં એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીને નોકરીની પરવાનગી આપતા આ પ્રોગ્રામને સ્થગિત કરવાના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. તે સમયે કમલા હેરિસે જણાવ્યું હતું કે, આ અત્યંત નકારાત્મક પગલું છે. તેના કારણે અનેક લોકોની કારકિર્દીનો અંત લાવી દેવાની ફરજ પડશે. એચ-વનબી વિઝાધારકોના એચ-૪ વિઝા ધરાવતા જીવનસાથીને વર્ક પરમિટથી વંચિત કરવાની અંતિમ સમીક્ષા ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસ દ્વારા ચાલી રહી હતી અને તેનો અમલ હાથવેંતમાં હતો. જોકે સત્તા પર આવતાની સાથે જો બાઇડેન સરકારે આ નિર્ણય અને અમલ પર ૬૦ દિવસનો સ્ટે મૂકી દીધો અને તેને લંબાવી પણ શકાય છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટીએ વિધિવત રીતે આ પ્રસ્તાવિત નિયમને પાછો ખેંચી લીધો છે.
એચ-૪ વિઝા, કોને મળી શકે?
અમેરિકામાં એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીને ચોક્કસ કિસ્સામાં એચ-૪ વિઝા મળે છે. એચ-વનબી વિઝાધારક ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં હોય અથવા તો જેણે ૬ વર્ષની મર્યાદા પાર કરી લીધી હોય તેમના જીવનસાથી એચ-૪ વિઝા માટે અરજી કરી શકે છે. ચોક્કસ વર્ગમાં દાયકાઓથી ચાલી રહેલા ગ્રીન કાર્ડ બેકલોગને કારણે ૨૦૧૫માં ઓબામા સરકારે એચ-૪ વિઝા પ્રણાલી લાગુ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter