અલ સાલ્વાડોરમાં બનશે વિશ્વનું પ્રથમ બિટકોઇન સિટી

Friday 26th November 2021 05:23 EST
 
 

નવી દિલ્હીઃ અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બિટકોઇન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ શહેરને શરૂઆતમાં બિટકોઇન સમર્થિત બોન્ડ દ્વારા નાણાકીય મદદ કરવામાં આવશે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે અલ સાલ્વાડોરમાં રોકાણને વેગ આપવા અને ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરવા માટે બિટકોઇનમાં પોતાનું રોકાણ બમણું કરી દીધું છે. આ શહેરમાં ચલણ તરીકે માત્ર બિટકોઇનનો ઉપયોગ થશે.
લા યુનિયનના પૂર્વ ક્ષેત્રમાં આકાર લેનારા આ શહેરને બિટકોઇનથી એક નવા વિકાસનો આયામ મળશે અને તેના પર વેટ સિવાય અન્ય કોઇ ટેક્સ નાખવામાં આવશે નહીં.
રાષ્ટ્રપતિ નાયબ બુકેલે દેશમાં ચાલી રહેલા એક સપ્તાહના બિટકોઇન કેમ્પેઇન કાર્યક્રમના પૂર્ણાહૂતિ સમારંભને સંબોધતા શનિવારે આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ બુકેલેએ રોકાણકારોને હાકલ કરતા જણાવ્યું હતું કે અહીં રોકાણ કરો અને પોતાની ઇચ્છા મુજબ નાણાં કમાવો. આ જગ્યા સંપૂર્ણ રીતે બિટકોઇન માટે સમર્પિત છે. બિટકોઇન પર લગાવવામાં આવેલા વેટનો અડધો હિસ્સો શહેરના નિર્માણ માટે જારી કરવામાં આવેલા બોન્ડનું ફંડ ઉભું કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જ્યારે બાકીની અડધી રકમનો ઉપયોગ કચરાના નિકાલ જેવી પાયાની સેવાઓ ઉભી કરવા માટે કરાશે. આ ઉપરાંત જાહેર ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે લગભગ ૩ લાખ બિટકોઇનનો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્ટેમ્બરમાં અલ સાલ્વાડોર બિટકોઇનને કાયદાકીય માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.
રાષ્ટ્રપતિ બુલેકે શહેરની સંરચના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરનો એરિયલ વ્યુ બિટકોઇન જેવો જોવા મળશે. આ ઉપરાંત આ શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્સિયલ ઇમારતોની સાથે એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨માં અલ સાલ્વાડોરમાં બિટકોઇન અંગે પ્રારંભિક બોન્ડ જારી કરવાની યોજના બનાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter