અલ સાલ્વાડોરમાં વિશ્વની સૌથી મોટી જેલનું નિર્માણ

Monday 06th March 2023 10:26 EST
 
 

સાન સાલ્વાડોરઃ સેન્ટ્રલ અમેરિકાના દેશ અલ સાલ્વાડોરમાં હજારો સ્કિનહેડ ગેંગસ્ટર્સને દેશની જેલોમાં સમાવી શકાતા નથી ત્યારે પ્રેસિડેન્ટ નાયિબ મ્યુકેલેની સરકારે કદી નાસી ન શકે તેવી નવી વિશાળ જેલ બાંધી છે, જ્યાં 40,000થીવધુ ખૂંખાર કેદીને રખાશે. નવી જેલમાં સૌપ્રથમ 2000 કેદીને હાલ ટ્રાન્સફર કરાયા છે. આ માથું મૂંડાયેલા અને ચિત્રવિચિત્ર ટેટૂઝ ધરાવતા કેદીઓને ખુલ્લા પગે અને એકબીજા સાથે ભીંસાય તે રીતે બેસાડી દેવાયા હતા. પ્રેસિડેન્ટ બ્યુકેલે દેશમાંથી આતંકવાદીઓ અને ગેંગસ્ટર્સનો સફાયો કરવા મક્કમ છે ત્યારે નવી જેલ પણ ઝડપથી ભરાઈ જશે તેમ લાગે છે.
આ નવી જેલ ‘સેન્ટર ફોર ધ ટેરરિઝમ કન્ટેઈન્મેન્ટ (CECOT)’માં 600 સૈનિક અને 250 પોલીસ ઓફિસરો દિવસરાત કેદીઓનું રક્ષણ કરશે. પ્રેસિડેન્ટ બ્યુકેલે સ્પષ્ટ કહે છે કે નવી વિશાળ જેલમાં કેદીઓને ‘વેશ્યાઓ, પ્લેસ્ટેશન્સ, સ્ક્રીન્સ, મોબાઈલ ફોન્સ અને કોમ્પ્યુટર સહિતની કોઈ સુવિધા અપાશે નહિ.
ઈલેક્ટ્રોનિક જામરથી સેલફોન્સના સિગનલ્સ રોકી દેવાશે જેનાથી જેલમાંથી અંદરોઅંદર કે બહારની દુનિયા સાથે કોઈ સંદેશાવ્યવહાર કરી શકાશે નહિ. જેલમાં ડાઈનિંગ હોલ્સ, એક્સરસાઈઝ રૂમ્સ અને ટેબલ ટેનિસ ટેબલ્સ પણ છે જે સુવિધાઓ માત્ર ગાર્ડ્સ માટે જ છે.
ટેકોલુકા નજીક 166 હેક્ટરમાં પથરાયેલી જેલ CECOT વિશ્વની સૌથી મોટી જેલ મનાય છે. જેલના આઠ બિલ્ડિંગ છે અને દરેક બિલ્ડિંગમાં 32 કોટડી છે જેમાં 100થી વધુ કેદીને રખાશે. દરેક કોટડીમાં માત્ર બે સિન્ક અને બે ટોઈલેટ છે. દર 100 કેદીઓ માટે 80 મેટલ બંક્સ છે જેના પર તેઓ સૂઈ શકે છે. નવા CECOT વિના દેશની 20 જેલોની કુલ ક્ષમતા 30,000 કેદીની છે.
અલ સાલ્વાડોરની સૌથી મોટી જેલ લા એસ્પેરાન્ઝામાં કેદીઓ રાખવાની ક્ષમતા 10,000 હોવાં છતાં, ત્યાં 33,000 કેદી રખાયેલા છે. પ્રેસિડેન્ટ બ્યુકેલેએ ગયા માર્ચમાં ગેંગ્સ વિરુદ્ધ અભિયાન છેડ્યા પછી 63,000 ગેંગસ્ટર્સને પકડી લેવાયા છે અને ખૂંખાર અપરાધીઓને નવી જેલમાં ટ્રાન્સફર કરાનાર છે. કહેવાય છે કે દેશની કુલ વયસ્ક વસ્તીના બે ટકા વસ્તી હાલ જેલના સળિયા પાછળ છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ મુજબ હાલ આ ટાઈટલ તુર્કિના ઈસ્તંબૂલમાં સિલિવ્રી પેનિટેન્ટિઅરીઝ કેમ્પસનું છે જેના 9 બિલ્ડિંગમાં 11,000થી વધુ કેદીનો સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી ખતરનાક કે જોખમી દેશોમાં અલ સાલ્વાડોરનું નામ આવે છે અને એક સમયે અમેરિકાઝમાં હત્યાનો સૌથી ઊંચો દર અહીં હતો. દેશની સ્ટ્રીટ ગેંગ્સના દૂષણના કારણે તાજેતરના વર્ષોમાં 100,000થી વધુ લોકોએ તેમના ઘરબાર છોડી નાસી જવું પડ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter