કેલિફોર્નિયાઃ અમેરિકાના સૌથી ઉત્તરીય રાજ્ય અલાસ્કાના ઉત્કિયાગવિકમાં આ સમયે એક બેહદ અનોખા કુદરતી ઘટનાક્રમનો પ્રારંભ થઇ ગયો છે. હવે અહીં 84 દિવસ સુધી સૂર્યાસ્ત નહીં થાય. આ ઘટનાને ‘મિડનાઇટ સન’ એટલે કે મધરાતનો સૂરજ કહેવામાં આવે છે. ગયા શનિવારે - 16 મેના રોજ અહીં મોસમનો છેલ્લો સૂર્યાસ્ત જોવા મળ્યો હતો. હવે બીજી ઓગસ્ટ સુધી અહીં દિવસ-રાતનો રોજિંદો સામાન્ય ઘટનાક્રમ નહીં ચાલે, પણ ચોવીસેય કલાક અજવાળું જ અજવાળું રહેશે. ઉત્કિયાગવિક નામનું આ સ્થળ આર્કટિક સર્કલ કરતાં પણ લગભગ 500 કિલોમીટરે ઉત્તરે આવેલું છે. આથી જ અહીં પૃથ્વી પર દિવસ અને રાતનો સૌથી વધુ બદલાવ જોવા મળે છે.
આવું શા માટે થાય છે?
• આ સમગ્ર ઘટના પૃથ્વીના ઝૂકાવના કારણે થાય છે.
• પૃથ્વી તેની ધરતી પર લગભગ ૨૩.૫ ડિગ્રી ઝૂકેલી છે અને સૂર્યની ચારેબાજુ પ્રદક્ષિણા કરે છે.
• આ ઝૂકાવના કારણે પૃથ્વીના અલગ અલગ ભાગોમાં સૂર્યપ્રકાશની રોશની અલગ અલગ માત્રામાં મળે છે.
• શિયાળાના દિવસોમાં જ્યારે ઉત્તરીય ગોળાર્ધ સૂર્યથી દૂર ઝૂકી જાય છે ત્યારે આર્કટિક સર્કલની ઉપર આવેલા પ્રદેશોમાં સૂરજ કેટલાય દિવસો સુધી ક્ષિતિજથી ઉપર આવતો નથી.
• આ જ કારણ છે ઉત્કિયાગવિકમાં લગભગ 65 દિવસ સુધી સૂર્યોદય થતો નથી.


