આ ઇ-બાઇકને ઇચ્છો ત્યારે ચલાવો, નહીં તો પેક કરી બેગમાં મૂકી દો

Monday 18th May 2020 10:47 EDT
 
 

ટોક્યોઃ આપણા સહુનો અનુભવ છે કે હોમ ટાઉન છોડીને કોઈ અન્ય શહેરમાં ફરવા માટે કે પછી કોઇ કામસર પહોંચ્યા હોઇએ અને આસપાસમાં ફરવાની ઇચ્છા થાય તો કેબ કે બીજું કોઇ વાહન શોધવાની માથાઝીંક કરવી પડતી હોય છે. ઘણી વખત તો નજીકના અંતરે જવું હોય તો ટેક્સીવાળો તૈયાર ન થાય એવું પણ બને. અને આ સમયે મને-કમને પદયાત્રા સિવાય કોઇ આરો રહેતો નથી. આના કરતાં આપણા ભેગી જ એક બાઇક હોય અને બસ કે ટ્રેનમાંથી ઊતરતાં વેંત તેના પર સવાર થઇને હંકારી જવાય એવી સગવડ હોય તો કેટલું સારું! જાપાનના સંશોધકોએ આ કલ્પનાને સાકાર કરે તેવી ફોલ્ડીંગ ઇ-બાઇક વિકસાવી છે. આ ઇ-બાઇક પર સવાર થઇને તમે પ્રવાસ પણ કરી શકો છો અને જરૂર ન હોય ત્યારે ગડી વાળીને બેકપેક તરીકે ઊંચકીને પણ લઇ જઇ શકો છો!

પોર્ટેબલ એન્ડ ઇન્ફ્લેટેબલ મોબિલિટી એટલે કે ‘પોઇમો’ જેવા ટૂંકાક્ષરી નામે ઓળખાતી આ ઇ-બાઇક યુનિવર્સિટી ઓફ ટોક્યોએ વિકસાવી છે. વન માઇલ મોબિલિટી એટલે કે એક માઇલની સુધીનું અંતર કાપવું હોય તો તેનાથી આસાની રહે છે.

મિનિટભરમાં તો બાઇક રેડી

થર્મોપ્લાસ્ટિક પોલિયુરેથીન ફેબ્રિકમાંથી બનાવેલી આ ઇ-બાઇક બે રેક્ટેન્ગ્યુલર ફેબ્રિક ફ્રેમની બનેલી છે. તેની સાથે એક ઇલેક્ટ્રિક પંપ પણ આપવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને એક મિનિટમાં તેમાં હવા ભરીને બાઇકને ફુલાવી શકાય છે. એક ચોરસ ઈંચે ૬થી ૭ પાઉન્ડના પ્રેશરે એ કામ કરે છે. ગડી કરી શકાય એવી લંબચોરસ ફ્રેમની નીચે પૈડાં આવેલા હોય છે. તેની સાથે ઇલેક્ટ્રિક મોટર જોડેલી હોય છે. બાઇકના હેન્ડલ પર વાયરલેસ કંટ્રોલર ગોઠવાયેલું છે.

હવા ભરીને ફુલાવો એટલે તૈયાર

મતલબ કે તમે આ ઇ-બાઇક લઇને ક્યાંય પણ પહોંચ્યા અને જરૂર પડ્યે ફ્ટાફ્ટ હવા ભરો એટલે ઇ-બાઇક તૈયાર. બસ, તેના પર બેસીને મન પડે ત્યાં ફરી શકો. ફરી પાછી ટ્રેન કે બસ પકડવા જાઓ ત્યારે તેમાંથી હવા કાઢી નાખો એટલે તેને ગડી વાળી દઇને ખભે ભેરવી શકો કે બેકપેક તરીકે પાછળ લટકાવી શકો. વજન પણ એટલું ઓછું કે આસાનીથી તેને ખભે ભેરવીને લઇ જઇ શકાય.

હળવું બાઇક બનાવવા પ્રયાસ

હ્યુમન રોબોટ ઇન્ટરેક્શન નામે દર વર્ષે જાપાનમાં એક કોન્ફરન્સ યોજાય છે. 2020 HRI નામની આ કોન્ફરન્સમાં ‘પોઇમો’ બાઇક રજૂ કરાઇ હતી. બાઇકનું વજન ફ્ક્ત ૨.૩ કિલોગ્રામ છે. આ બાઇકને વિકસાવનારી ટીમ તેને આના કરતાં પણ વધુ હલકું બનાવવા માંગે છે!

બાઇકની બેટરી કેટલી ચાલશે?

આ ઇ-બાઇકની બેટરી પણ હેન્ડલમાં જ સમાવી લેવાઇ છે. મતલબ કે એ ટચુકડી બેટરી હશે. જોકે અત્યારે સંશોધકોએ બેટરી કેટલો સમય ચાલશે એ અંગે ખાસ ફોડ પાડયો નથી. પરંતુ એમ લાગે છે કે એક કે બે માઇલ સુધી ચાલી શકે એટલી તો તેની બેટરીની ક્ષમતા હશે જ. બાઇકનું વજન તો સાવ જ ઓછું છે એટલે ખાસ તો તેણે ચાલકના વજનને જ ખેંચવાનું હોય છે. આ સમયે બેટરીની ક્ષમતા પણ સારી હોય એ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter