આ છે વિશ્વનેતાઓના પ્રત્યાઘાત!!

Wednesday 29th June 2016 07:36 EDT
 
 

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ફારેગ થવાનો નિર્ણય રેફરન્ડના પગલે જા૪હેર કરતા સમગ્ર વિશ્વમાં તેના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. વિશ્વના નેતાઓએ આ મુદ્દે પોતાના પ્રત્યાઘાત આપ્યા હતા. મોટા ભાગના નેતાઓએ રેફરન્ડમના પરિણામને કમનસીબ ગણાવ્યું હતું.

બરાક ઓબામા (યુએસએ)

યુએસએના પ્રમુખ બરાક ઓબામાએ ઈયુ છોડવાના બ્રિટનના નિર્ણયના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ‘બ્રિટનના નાગરિકોએ ચુકાદો આપ્યો છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ. વર્ષોથી યુકે અને અમેરિકાના સંબંધો ગાઢ રહ્યાં છે. નાટોમાં યુકેનું સભ્યપદ અમેરિકાની વિદેશ, સંરક્ષણ અને આર્થિક નીતિઓ માટે મહત્ત્વપૂર્ણ છે. યુકે અને યુરોપિયન યુનિયન અમેરિકાના અત્યંત જરૂરી ભાગીદારો તરીકે ચાલુ રહેશે તેવી અમારી આશા છે.’

એન્જેલા મર્કેલ (જર્મની)

જર્મન ચાન્સેલર અને ઈયુ બ્લોકના અગ્રનેતા એન્જેલા માર્કેલે ઈયુ છોડવાના યુકેના નિર્ણય અંગે ‘ભારે અફસોસ’ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે દિલગીરી સાથે બ્રિટિશ પ્રજાના નિર્ણયની નોંધ લઈએ છીએ. આ યુરોપને ફટકો છે તેમાં કોઈ શંકા નથી. કોઈ દેશ ઈયુ છોડે ત્યારે વાટાઘાટોના ઘણા વર્ષ લાગી જાય છે. આ વાટાઘાટો થાય ત્યાં સુધી તો ગ્રેટ બ્રિટન ઈયુનું સભ્ય છે. સભ્યપદના પરિણામ સ્વરુપ તમામ અધિકાર અને જવાબદારીઓ સભ્યપદ પૂર્ણતઃ રદ ન થાય ત્યાં સુધી યથાવત રહે છે. અને આ બધા પક્ષકારોને લાગુ પડે છે.’

ફ્રાન્કોઈસ હોલાન્ડ (ફ્રાન્સ)

ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાન્ડે નિર્ણયને ભારે કમનસીબ ગણાવતા કહ્યું હતું કે યુનિયને આગળ વધવા માટે ફેરફારો કરવા જ જોઈશે. યુરોપ પહેલાની જેમ વર્તી શકે નહિ. આ મતદાને યુરોપને કસોટીની એરણ પર મૂક્યું છે. બીજી તરફ, અતિ જમણેરી નેશનલ ફ્રન્ટના નેતા લી પેને ‘આઝાદીનો વિજય થયો’ની ટીપ્પણી સાથે બ્રિટનના નિર્ણયની પ્રશંસા કરવા ઉપરાંત, ઈયુમાં ફ્રેન્ચ સભ્યપદ અંગે પણ રેફરન્ડમ લેવાની માગણી કરી હતી.

પાઓલો જેન્ટિલોની (ઈટાલી)

ઈટાલીના વિદેશપ્રધાન પાઓલો જેન્ટિલોનીએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, બ્રેક્ઝિટના નિર્ણય છતાં બ્રિટન અમારું સાથી બની રહેશે. ઈટાલીએ અલગ પરિણામને પસંજ કર્યું હોત, પરંતુ અમે નિર્ણયને માન આપીએ છીએ. જોકે, લીવનો અર્થ લીવ જ થાય છે. ગ્રેટ બ્રિટન અમારું મિત્ર અને નાટોમાં સાથી બની જ રહેશે, પરંતુ ઈયુ છોડવાનો નિર્ણય લેવાયો છે અને તેનું ફોલો-અપ થવું જોઈએ.’

વડા પ્રધાન મેટ્ટીઓ રેન્ઝીએ ઈયુ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું હતું કે,‘યુરોપ અમારું ઘર છે, તે અમારું ભવિષ્ય છે.’ જોકે, તેમણે સમૂહને વધુ માનવીય અને ન્યાયી બનવા સુધારા કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

લાર્સ લોકે રાશ્મુસેન (ડેન્માર્ક)

ડેન્માર્કના પ્રાઈમ મિનિસ્ટર લાર્સ લોકે રાશ્મુસેને જણાવ્યું હતું કે,‘બ્રિટિશ નાગરિકોના બહુમતી નિર્ણયનું આપણે સન્માન કરવું જોઈએ. આની સાથે હું એ હકીકત છુપાવીશ નહિ કે યુરોપ અને ડેન્માર્ક માટે આ કમનસીબ પરિણામ છે. બ્રિટન મા૪ડે આગામી પગલાં લેવાનું હવે બ્રિટિશ સરકારના હાથમાં છે. હું આશા રાખું કે બ્રિટન હજુ પણ ઈયુ સાથે ગાઢ સંબંધ રાખવા ઈચ્છશે.’

એન્ડ્રેઝ ડુડા (પોલેન્ડ)

પોલેન્ડના પ્રમુખ એન્ડ્રેઝ ડુડાએ કહ્યું હતું કે,‘બ્રિટન મહાન યુરોપિયન દેશ છે અને ઐતિહાસિક દૃષ્ટિએ અમારો સાથી રહ્યો છે. હું માનું છું કે રેફરન્ડમનું પરિણામ આ સ્થિતિને બદલશે નહિ. પોલેન્ડ યુકે સાથે ગાઢ સંબંધ જાળવવા ઈચ્છુક છે.’ પોલેન્ડના વિદેશપ્રધાને કહ્યું હતું કે બ્રિટિશ વોટ યુરોપ અને પોલેન્ડ માટે ખરાબ સમાચાર છે. ઈયુમાંથી બ્રિટનનું જવું યુકેમાં કામ કરતા હજારો પોલ્સ નાગરિકોના દરજ્જા વિશે ગંભીર મુદ્દો ખડો કરશે.

એર્ના સાલ્બર્ગ (નોર્વે)

નોર્વેના પ્રાઈમ મિનિસ્ટર એર્ના સોલ્બર્ગે કહ્યું હતું કે,‘બ્રિટિશ પ્રજાએ પોતાનો ચુકાદો આપી દીધો છે’ ઈયુના સભ્ય નહિ તેવા નોર્વેના વડા પ્રધાને ચેતવણી આપી હતી કે, આ નિર્ણય યુરોપમાં ઓછો સહકાર ઈચ્છતા અંતિમવાદી પરિબળો માટે પ્રોત્સાહક બની રહેશે.

માલ્કોમ ટર્નબુલ (ઓસ્ટ્રેલિયા)

ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર માલ્કોમ ટર્નબુલે બ્રેક્ઝિટના નિર્ણયથી ‘ઓસ્ટ્રેલિયનોએ ચિંતા કરવાની જરૂર નથી. બ્રિટન સાથે ઓસ્ટ્રેલિયાના સંબંધો કોઈ પણ બે દેશ વચ્ચે હોય તેવા ગાઢ સંબંધ જળવાઈ રહેશે.’

શિન્ઝો એબે (જાપાન)

જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિન્ઝો એબેએ જણાવ્યું કે ‘યુરોપિયન યુનિયન છોડવાના બ્રિટનના નિર્ણય પછી ફોરેન એક્સચેન્જ માર્કેટ તથા અન્ય નાણાકીય બજારોમાં સ્થિરતા લાવવી જરૂરી છે.’ ઉલ્લેખનીય છે કે યુરોપ અને જાપાન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી અંગેની વાટાઘાટોને અસર પહોંચવાની ચિંતા ટોક્યોને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter