કુઆલાલમ્પુર: સામાન્યપણે માનવીનાં મોમાં 32 દાંત હોય છે પણ મલેશિયાનાં એક એન્જિનિયરનાં મોંમાં 42 દાંત છે. અને આ જ વાતે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું છે. 33 વર્ષનાં પ્રથાબ મુનિયાંડી ઓઇલ-ગેસ સેક્ટરમાં એન્જિનિયર તરીકે કાર્યરત છે. તેમનાં મોંમાં કુલ 42 દાંત છે, જે સામાન્ય લોકોની સરખામણીમાં 10 વધારે છે. આ અજાયબીને 28 ડિસેમ્બર 2023નાં રોજ સત્તાવાર માન્યતા અપાયા બાદ આજ સુધી વિક્રમ અતૂટ છે. ડોક્ટરોએ વિગતવાર તપાસ પછી પ્રથાબના મોંમાં 42 દાંત હોવાનાં અહેવાલને સમર્થન આપ્યું હતું. પ્રથાબને પોતાના વધારાનાં દાંતો અંગે સૌથી પહેલા 2021માં જાણ થઇ હતી. સામાન્ય વાતચીતમાં તેમણે પરિવારને જણાવ્યું હતું કે કદાચ તેના મોંમાં સામાન્યથી વધારે દાંત છે. આ પછી પરિવારે ગણતરી કરી તો ખરેખર 38 દાંત જણાયા હતા. આ પછી ડોક્ટરોએ એક્સ-રેની મદદથી તપાસ કરી તો જાણવા મળ્યું કે હજુ ચાર દાંત નીકળવાનાં બાકી છે. 2023ના પ્રારંભે બાકી ચાર દાંત પણ નીકળી આવતાં હવે મોંમાં કુલ 42 દાંત છે. તાજેતરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાળાઓએ આ રેકોર્ડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
પ્રથાબ કહે છે કે મોટા ભાગનાં લોકોને પ્રથમ નજરમાં તો તેને વધારે દાંત હોવાની ખબર પડતી નથી પણ જ્યારે તે મોં ખોલીને બતાવે છે કે તેના મોંમાં 42 દાંત છે ત્યારે તે જોઇને બધા આશ્ચર્યચકિત થઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં સૌથી વધારે દાંત હોવાનો રેકોર્ડ ભારતની કલ્પના બાલનનાં નામે છે, જેમના મોંમાં 38 દાંત છે.


