આંધ્રમાં 15 બિલિયન ડોલરનું ડેટા સેન્ટર

ગૂગલ-અદાણીનો સાથ વિઝાગને બનાવશે એઆઇ હબ

Saturday 16th May 2026 06:22 EDT
 
 

તારલુવાડા (આંધ્ર પ્રદેશ): આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમ્ પાસે ગૂગલના 15 બિલિયન ડોલરના એઆઈ ડેટા સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું છે. એક ગીગા વોટની ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સિમાચિહ્નરૂપ પગલું બનશે. ગૂગલ આ વિશાળ ડેટા સેન્ટરને અદાણી કનેક્સ સાથે મળીને ડેવલપ કરી રહ્યું છે, જે અમેરિકા બહાર ગૂગલનું આ સૌથી મોટું ડેટા સેન્ટર બનશે.
વિશાખાપટ્ટનમના તારલુવાડામાં ગૂગલ ક્લાઉન્ડ ઈન્ડિયા એઆઈ ડેટા સેન્ટરના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ ડેટા સેન્ટર ભારતના એઆઈ સંચાલિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. વિશાખાપટ્ટનમમાં 15 બિલિયન ડોલરનું ગૂગલ એઆઈ ડેટા સેન્ટર ભારતની વધતી ડિજિટલ તાકાતનો પુરાવો છે અને આ પ્રોજેક્ટ વિશાખાપટ્ટનમને મોટું એઆઈ હબ બનાવી શકે છે. આ પ્રોજેક્ટ એઆઈ યુગની વિશાળ કમ્પ્યુટિંગ માગોને પૂરી કરવા માટે ડિઝાઈન કરાયેલા ગીગા વોટ-સ્તરીય ડેટા સેન્ટરની આજુબાજુ કેન્દ્રીત છે. ચંદ્રાબાબુ નાયડુ સરકાર એક ગીગાવોટની ક્ષમતાનું આ ડેટા સેન્ટર તારલુવાડા, અદાવિવરમ અને રામભિલી ગામમાં અંદાજે 600 એકર જમીન પર બનાવાશે, જેને લાંબા ગાળાની યોજના હેઠળ અંદાજે 6.5 ગીગાવોટ ક્ષમતાવાળા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકસિત કરવાનું લક્ષ્ય છે. આ ડેટા સેન્ટર વર્ષ 2028 સુધીમાં ચાલુ થવાની શક્યતા છે.
વૈષ્ણવે ટેક્નોલોજી કંપનીઓને ભારતમાં જીપીયુ અને ચીપ્સનું ઉત્પાદન કરવા હાકલ કરી હતી. વૈષ્ણવે વિશાખાપટ્ટનમથી પાથરેલા સબસી કેબલ્સ માટે ગૂગલનો આભાર માન્યો હતો. આ કેબલ યુરોપ, મધ્ય-પૂર્વ, આફ્રિકા અને અમેરિકા સુધી કનેક્ટિવિટી લંબાવશે. તેમણે કહ્યું, આ એઆઈ ડેટા સેન્ટર શિક્ષણ, સ્વાસ્થ્ય, એરોસ્પેસ, લોજિસ્ટિક્સ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં મોટા પરિવર્તન લાવશે.
ગૂગલ વિશાખાપટ્ટનમમાં આ હાયપરસ્કેલ એઆઈ ડેટા સેન્ટર અદાણી કનેક્સ અને એરટેલ નક્ષત્ર સાથે ભાગીદારીમાં વિકસાવે છે. આ ડેટા સેન્ટર સાથે કનેક્ટિવિટી તરીકે તેમાં સબસી કેબલ કનેક્ટિવિટી અને હાઈ-સ્પીડ ફાઈબર નેટવર્કનો સમાવેશ થાય છે. આ ડેટા સેન્ટર ભારતને સિંગાપોર સાથે જોડતા સમુદ્રી માર્ગ નીચે પાથરવામાં આવનારા ફાઈબર ઓપ્ટિક કેબલ ભારત અને બાકીની દુનિયા વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત કરશે. દેશના સૌથી મોટા એઆઈ ડેટા સેન્ટરમાંનું એક હશે અને અત્યાધુનિક એઆઈ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા મોટાપાયા પર ડેટા સ્ટોરેજ ક્ષમતા પૂરી પાડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter