પેરિસઃ મોહમ્મદ પયગંબરનું ચિત્ર દોરવા સંદર્ભે ફ્રાન્સમાં નવેસરથી થઇ રહેલા આતંકી હુમલાઓનો ફ્રાન્સે વળતો જવાબ તાજેતરમાં આપ્યો હતો. અલ-કાયદાની આંતરિક છાવણી નજીકથી જઇ રહેલા આંતકીઓના મોટરસાઇકલ કાફલા પર ફ્રાન્સે એરસ્ટ્રાઇક કરી હતી. આ ઘટનામાં ૫૦થી વધુ આંતકી માર્યા ગયા હતા. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્ટીએ આ અંગેની વિગતો રજૂ કરતાં કહ્યું કે, ગત ૩૦ ઓક્ટોબરે ફ્રાન્સે પાકી બાતમી મેળવ્યા બાદ તાજેતમાં એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો.
પશ્વિમ આફ્રિકાનું માલી
પશ્વિમ આફ્રિકાના માલી, નાઇજર વગેરે દેશોમાં આતંકી સંગઠન આઇએસ અને અલ-કાયદાના આતંકીઓ આશરો લઇ રહ્યાનું કુખ્યાત છે.
અહીં મોટા પ્રમાણમાં ટ્રેનિંગ કેમ્પ પણ ચાલે છે. ફ્રાન્સે સેટેલાઇટ અને ભૂમિગત જાસૂસીની મદદથી બુર્કિના ફાસો અને નાઇજરના માલી સાથે જોડતી સરહદ પર આંતકીઓના એક મોટા જૂથને ૩૦ જેટલી મોટરસાઇકલ પર પસાર થતું જોયું હતું. ખાતરી કર્યા બાદ ફ્રાન્સે ૨ મિરાજ વિમાન અને ડ્રોન વડે હુમલો કરીને આ ગ્રૂપનો ખાતમો કર્યો હતો.
બંગ્લાદેશમાં ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન
ફ્રાન્સમાં એક શિક્ષકે મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન બનાવતા ઊભા થયેલા વિવાદ પછી બાંગ્લાદેશમાં ફરી આ કાર્ટૂનને લઈને તાજેતરમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. બાંગ્લાદેશમાં વસતા મુસ્લિમોએ ફ્રાન્સના વડા મેક્રોનની તસવીરો સાથે ઉગ્ર દેખાવો કર્યાં હતાં. કેટલાક વિસ્તારોમાં ફ્રાન્સના નેતાના પૂતળા બાળવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના ઢાકામાં એક મસ્જિદની બહાર એકઠા થયેલા મુસ્લિમના નેતા નુર હુસૈને જણાવ્યું હતું કે, અમે માગ કરી રહ્યા છીએ કે ફ્રાન્સ વિશ્વના બધા જ મુસ્લિમોની મોહમ્મદ પયગંબરનું અપમાન કરવા બદલ માફી માગે. બાંગ્લાદેશી મુસ્લિમોની માગણી છે કે અહીં ફ્રાન્સની જે એમ્બેસી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે.