નવી દિલ્હી: ભારતે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા મંગળવાર અને બુધવાર દરમિયાનની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા. જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. આ એર સ્ટ્રાઈક સાથે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઇદ, જૈશ-એ-મોહમ્મદના મૌલાના મસૂદ અઝહર અને હિઝબુલ મુજાહિદ્દીનના સૈયદ સલાહુદ્દીન હચમચી ગયા છે. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ભારત આ રીતે તેમની કમર ભાંગી નાખશે. ઓપરેશન સિંદૂર ભારતની માત્ર સૈન્ય સફળતા જ નહીં, કૂટનીતિક સંદેશ પણ છે કે ભારત હવે સરહદ પાર છુપાયેલા દુશ્મનોને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવી શકે છે. હાફિઝ સઇદ, મસૂદ અઝહર અને સૈયદ સલાહુદ્દીનને જે ફટકો પડ્યો છે તેમાંથી તેઓ લાંબા સમય સુધી બેઠા થઈ શકશે નહીં. ભારતીય સૈન્યએ આ ત્રણેય આતંકી આકાઓને કેવી રીતે પાઠ ભણાવ્યો છે અને તેમને કેટલું નુકસાન થયું છે તે જાણીએ.
• હાફિઝ સઇદ (લશ્કર-એ-તૈયબા)
મુંબઈ પરના 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઇદના મુખ્ય ત્રણ ઠેકાણા હતા, જેમાં મુરિદકે, સવાઈ નલ્લા અને મરકજ અહલે હદીસ (બરનાલા) સામેલ છે. ભારતીય સૈન્યએ ત્રણેય ઠેકાણા સાફ કરી દીધા છે. લશ્કર-એ-તૈયબાનું વૈચારિક અને સૈન્ય કેન્દ્ર એવો મુરિદકે કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 30 કિમી દુર હતો. બરનાલા અને સવાઈ નલ્લા ખાતેના શસ્ત્રો, ડ્રોન અને સુરંગની ટ્રેનિંગ અપાતી હતી.
અસર: હાફિઝ સઇદનું નેટવર્ક સંપુર્ણ રીતે વેરવિખેર થઈ ગયું છે. તેની પાસે નવા આતંકીઓને ટ્રેનિંગ આપવાનો અને ભારતવિરોધી પ્રવૃત્તિઓની યોજના બનાવવાનો આધાર ખતમ થઈ ચૂક્યો છે,
• મસૂદ અઝહર (જૈશ-એ-મોહમ્મદ)
પુલવામા હુમલાનો ગુનેગાર, જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર પણ ભારતીય સૈન્ય કાર્યવાહીથી બહુ ખરાબ રીતે અસરગ્રસ્ત થયો છે. ભારતે જૈશના બહાવલપુર મુખ્ય મથક, સરજાલ, બિલાલ કેમ્પ અને કોટલી સ્થિત લોન્ચપેડને નિશાન બનાવી તબાહ કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિમી દૂર આવેલું જૈશનું સૌથી મોટું ઓપરેશનલ હબ બહાવલપુર હવે સંપૂર્ણ ધ્વસ્ત થઈ ચૂક્યું છે.
અસર: આતંકીઓની ભરતી અને આત્મઘાતી હુમલાની મૌલાના મસૂદ અઝહરની નાપાક યોજનાઓ ઠપ થઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરમાં તેનો કમ્મરતોડ ફટકો પડ્યો છે. જૈશ-એ-મોહમ્મદની ક્ષમતા ઓછામાં ઓછી 70 ટકા જેટલી ઘટી ચુકી છે.
• સૈયદ સલાહુદ્દીન (હિઝબુલ મુજાહિદ્દીન)
સમગ્ર કાશ્મીરમાં આતંક ફેલાવતો હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન તો ઓપરેશન સિંદૂર બાદ સૌથી નબળી સ્થિતિમાં આવી ગયો છે. ભારતીય જવાનોએ તેના કોટલી, મેહમુના ઝોયા (સિયાલકોટ) અને રાહિલ શાહિદ કેમ્પ જેવા બેઝ નષ્ટપ્રાય કરી નાંખ્યા છે. ખાસ વાત તો એ છે કે હિઝબુલના મોટાભાગના ઠેકાણા એલઓસીથી માત્ર 10-15 કિમીના અંતરે ધમધમતા હતા, જેનો સફાયો થઇ જતાં સરહદ પારથી ઘૂસણખોરીનું સમગ્ર નેટવર્ક ખોરવાઈ ગયું છે. હવે તેમના ભારતની હદમાં ઘૂસણખોરી કરવાનું મુશ્કેલ બની જશે.
અસર: સૈયદ સલાહુદ્દીન પાસે હવે ઘુસણખોરી માટેના કોઈ સુરક્ષિત રસ્તા કે પછી આતંકી ટ્રેનિંગ કેમ્પ બચ્યા જ નથી. હિઝબુલની કરોડરજ્જુ ભાંગી ચૂકી છે.