ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક બ્રિટીશ ન્યૂઝ ચેનલના સવાલના જવાબમાં કબૂલ્યું કે, પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનું આશ્રયસ્થાન બનેલું છે. જોકે તે માટે દોષનો ટોપલો તેમણે અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશો પર ઢોળ્યો. પાકિસ્તાન 30 વર્ષથી વધુ સમયથી અમેરિકા માટે આ ‘ગંદું કામ’ કરી રહ્યું છે. અલબત્ત, ખ્વાજા આસિફે દોષનો ટોપલો અમેરિકા અને બ્રિટન પર ઢોળીને પાકિસ્તાનને દોષિત ન ઠેરવવું જોઈએ કેમ કે તે તો બીજા દેશોના નિર્દેશો પર કામ કરતું હતું. તેમણે લશ્કર-એ-તૈયબા હવે અસ્તિત્વમાં ન હોવાનું અને પહલગામ હુમલામાં જેનું નામ સામે આવ્યું છે તે આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ વિશે તેમને કોઈ માહિતી ન હોવાનું જુઠાણું પણ ચલાવ્યું. તેમણે નફ્ફટાઇપૂર્વક કહ્યું કે તૈયબાનું હવે કોઈ અસ્તિત્વ નથી.
ખ્વાજા આસિફને પૂછાયું કે શું તમે સ્વીકારો છો કે આતંકી સંગઠનોનું સમર્થન કરવાનો, તેમને ટ્રેનિંગ આપવાનો અને ફન્ડિંગનો અમેરિકાનો લાંબો ઈતિહાસ રહ્યો છે? તેના જવાબમાં ખ્વાજા આસિફે કહ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમ, જેમાં બ્રિટન પણ સામેલ છે, માટે આ ગંદું કામ કરતા આવ્યા છીએ. જો અમે સોવિયેત સંઘ સામેના યુદ્ધમાં અને એ પછી અમેરિકા પરના 9/11ના હુમલા બાદના યુદ્ધમાં ન જોડાયા હોત તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ બેદાગ હોત.
ભારતના દાવાને સમર્થન
ખ્વાજા આસિફની કબૂલાતથી ભારતનું વલણ મજબૂત થયું છે. ભારત વૈશ્વિક મંચ પર સતત એવો દાવો કરતું રહ્યું છે કે પાકિસ્તાન સરકાર આતંકીઓનું સમર્થન કરે છે. હવે ત્યાંના સંરક્ષણ પ્રધાનની કબૂલાતે આ વાત પર મહોર લગાવી દીધી છે.
ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર આતંકવાદી સંગઠનોનું સમર્થન કરવાના આરોપ લગાવતું રહ્યું છે. ભારતમાં સંખ્યાબંધ આતંકી હુમલા થઇ ચૂક્યા છે અને દરેક હુમલામાં પાકિસ્તાનની સંડોવણી રહી છે. જોકે તે હંમેશા ભારતના આરોપો નકારતું આવ્યું છે અને પુરાવા માગતું રહ્યું છે જ્યારે પાકિસ્તાનમાં ડઝનબંધ આતંકી સંગઠનો સક્રિય છે. ઘણા સંગઠનો પર તો યુએન દ્વારા પ્રતિબંધ પણ લદાઇ ચુક્યો છે.