આપણા કમ્પ્યુટરમાં જે કામ ૧૦,૦૦૦ વર્ષે થાય એ ગૂગલના કમ્પ્યુટરે માત્ર ૨૦૦ સેકન્ડમાં કર્યું!

Sunday 17th November 2019 14:35 EST
 
 

સાન ફ્રાન્સિસ્કો: ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વોન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો છે, પરંતુ સાદી ભાષામાં કવોન્ટમ કમ્પ્યુટિંગનો મતલબ અત્યાર સુધીમાં તૈયાર ન થયું હોય એવું ફાસ્ટેસ્ટ પ્રોસેસર તૈયાર કરવું એવો થાય છે. કોઈ પણ કમ્પ્યુટર (કે અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણ)ની ઝડપ તેમાં રહેલા માઈક્રોપ્રોસેસર પર આધારિત હોય છે. ગૂગલે ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો પર કામ કરી શકે એવું પ્રોસેસર વિકસાવી લીધું છે. એ પછી ગૂગલે તેનો પ્રયોગ પોતાના કમ્પ્યુટરમાં કર્યો હતો. ગૂગલની આ સફળતા માટે સીઈઓ સુંદર પિચાઈએ ટીમને અભિનંદન આપ્યા છે.
ગૂગલના કહેવા પ્રમાણે જે ગણતરી, કામગીરી કરવામાં સામાન્ય (ઘરે કે ઓફિસમાં વપરાતા) કમ્પ્યુટરને ૧૦,૦૦૦ વર્ષ લાગે એ કામ ગૂગલના ક્વોન્ટમ કમ્પ્યુટરે માત્ર ૩ મિનિટ ૨૦ સેકન્ડ એટલે કે માત્ર ૨૦૦ સેકન્ડમાં કરી દેખાડયું છે. હવેનો યુગ બિગ ડેટા એટલે કે ઢગલાબંધ માહિતીનો છે. ઓનલાઈન કે ડિજિટલ કામગીરી વધતી જાય એમ ઓનલાઈન ડેટા પણ વધતો જાય. એ બધા ડેટાનું એનાલિસિસ કરવામાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ બહુ જ કામનું છે કેમ કે એ લાંબી લાંબી ગણતરી પળવારમાં કરી આપે છે. આથી જ કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી અનેક કંપનીઓ ક્વોન્ટમ ટેક્નિક પર સંશોધન કરી રહી છે. તેમાં ગૂગલે જ્વલંત સફળતા મેળવી છે.
અત્યારના કમ્પ્યુટરો બિટના સિદ્ધાંત પર કામ કરે છે. મતલબ કે દરેક માહિતી કમ્પ્યુટર ઝીરો અને એકના સ્વરૂપમાં સેવ કરે છે. આ દરેક આંકડો બિટ તરીકે ઓળખાય છે. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર ક્વોન્ટમ બિટ એટલે ટૂંકમાં ક્વિબિટ સિદ્ધાંત પર કામ કરે છે. તેમાં એક સમયે માત્ર ઝીરો કે એકને બદલે અનેક માહિતી સેવ થઈ શકે છે. એટલે આપોઆપ તેનું કામ ઝડપી બને છે.
ગૂગલના આ દાવા અંગે કમ્પ્યુટર ક્ષેત્રની જાયન્ટ કંપની આઈબીએમએ કહ્યું હતું કે અમને ખબર નથી દાવો સાચો છે કે ખોટો છે, પરંતુ જો સાચો હોય તો આ સંશોધનથી કમ્પ્યુટિંગ ક્ષેત્રનું ભવિષ્ય બદલાઈ જશે એ વાત નક્કી છે. જોકે આઈબીએમનો પણ દાવો છે કે અગાઉ તેમને પણ આવી સિદ્ધિ મળી ચૂકી છે. વિવિધ કંપનીઓ વચ્ચે ચાલતી આ સ્પર્ધા ક્વોન્ટમ સુપ્રીમસી તરીકે ઓળખાય છે. ગૂગલને તેમાં અત્યારે સફળતા મળી છે. આ અંગેનો અહેવાલ ‘સાયન્સ જર્નલ નેચર’માં પ્રગટ થયો હતો.
દુનિયાભરમાં કમ્પ્યુટર ક્ષેત્રે હવે પછીની જરૂરિયાત સ્પીડ વધારો અને એક સાથે અનેક સ્થળોએ કામ કરી શકાય એવી સિસ્ટમ તૈયાર કરવાની છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ ક્ષેત્રમાં મોટો આશાવાદ છે. આથી જેને તેમાં સફળતા મળે એ કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે જગતમાં દબદબો ભોગવી શકે. નોબેલ વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફીનમેને ૧૯૮૦ના દાયકામાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિશે થિયરીઓ રજૂ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter