દુબઇઃ બેલ્જિયમની સ્કાયડાઈવર મેગાલી ફોકનર-બ્રાફે દુબઈના આસમાનમાં લગભગ એક હજાર ફૂટ ઉપર એરશીપ પર લટકેલા સ્વિંગમાંથી ફ્રી-ફોલ જમ્પ કરીને તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે.
મેગાલીએ પહેલા તો સ્વિંગ પર લટકીને દુબઇના જગવિખ્યાત સ્થળો બુર્જ ખલીફા, બુર્જ અલ અરબ, પામ જુમેરાહ, દુબઈ ફ્રેમ અને આઈન દુબઈ જેવી ગગનચુંબી ઇમારતો પર ઉડાન ભરી હતી. આ પછી તેણે દુનિયાને ચોંકાવી દેતું સાહસ કર્યું હતું.
દિલધડક હવાઇ સાહસો કરવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચૂકેલી મેગાલીએ આ સ્ટંટને તેના જીવનનો ‘સૌથી પડકારજનક પ્રયોગ’ ગણાવ્યો હતો. તેના મતે તે એક સંપૂર્ણપણે હેરતઅંગેજ અનુભવ હતો. આ અનુભવ જાણે કે સમુદ્ર અને ઊંચી ઇમારતો વચ્ચે લટકીને સૂર્યોદયને નજીકથી જોવા સમાન છે.
આ સ્ટંટ સ્કાયડાઈવ દુબઈની 15મી વર્ષગાંઠ નિમિત્તે કરાયો હતો. મેગાલીએ પોતે સ્ટંટ માટે એક ખાસ લાલ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો, જે સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો હતો. સ્વિંગ પર ઊભા રહેવું એ તેના માટે સૌથી નર્વસ કરી દે તેવી, પણ પડકારજનક ક્ષણ હતી, કારણ કે આટલી ઊંચાઈ પર સંતુલન જાળવવું પડકારજનક હતું. આમ છતાં તેણે સાહસ કરી દેખાડીને દુનિયાને દંગ કરી દીધી છે.


