ઓટાવા: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આલ્બર્ટા પ્રાંત દેશના ભવિષ્ય માટે ખુબ ઉપયોગી પ્રદેશ છે. તેલસમૃદ્ધ પ્રાંત આલ્બર્ટામાં કેનેડાથી અલગ થવા માટે જનમત સંગ્રહ કરાવવાની માગણી બળવત્તર થઈ રહી છે તે દરમિયાન કેનેડાના વડાપ્રધાને આ નિવેદન આપ્યું છે.
અલગતાવાદીઓ આલ્બર્ટાને કેનેડાથી અલગ કરવા માટે આગામી ઓક્ટોબરમાં જનમત સંગ્રહ કરાવવાની માગણી સાથે મહિનાઓ સુધી હસ્તાક્ષર અભિયાન ચલાવી ચૂક્યા છે. અલગતાવાદીઓ આલ્બર્ટાને કેનેડાથી અલગ દેશ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. ભાગલાવાદીઓએ ચોથી મેના રોજ રેફરન્ડમને મુદ્દે પ્રાંતીય અધિકારીઓને પોતાની અરજી સોંપી હતી. તેઓ દાવો કરી રહ્યા છે કે આલ્બર્ટામાં જનમત સંગ્રહની માગણી સંતોષવા કાયદેસર રીતે જેટલા મતની જરૂર છે તેના કરતાં વધુ સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે.
જોકે આલ્બર્ટાના જજ રેફરન્ડમની મંજૂરી આપવા ઈનકાર કરી રહ્યા છે. આ માગણીને અમાન્ય જાહેર કરતાં જજ કહી ચુક્યા છે કે આ પહેલ વિષે પ્રદેશના મૂળ નિવાસીઓ સાથે ચર્ચા વિચારણા નથી કરાઇ. આલ્બર્ટા કેનેડાથી અલગ થતાં મૂળ નિવાસીઓના અધિકારો ખતરામાં મુકાઈ શકે છે. જોકે આલ્બર્ટાના વડાપ્રધાન ડેનિયલ સ્મિથે ગયા ગુરુવારે રાતે એક સંબોધનમાં જણાવ્યું હતું કે જજનો નિર્ણય ખોટો છે. તેમણે આરોપ લગાવ્યા કે જજનો નિર્ણય આલ્બર્ટાના લાખો નિવાસીઓના લોકશાહી અધિકારોમાં હસ્તક્ષેપ સમાન છે.
ઉલ્લેખનીય છે કે આલ્બર્ટાના વડાપ્રધાન ડેનિયલ સ્મિથ રૂઢિચુસ્ત નેતા છે. તેમના રાજકીય ગઠબંધનમાં અલગતાવાદીઓનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારપુર્વક કહ્યું કે કોઈક જજે કરેલી કાનૂની ભૂલને કારણે આ મુદ્દે ચર્ચાને અટકાવી શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે આલ્બર્ટાવાસીઓની ઈચ્છા સમજીને આગળ વધી શકાય તે માટે રેફરન્ડમનો સમય પાકી ગયો છે. ડેનિયમ સ્મિથે એમ પણ કહ્યું કે તેઓ ઓક્ટોબરમાં રેફરન્ડમની યોજના ઘડી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમની સરકાર આલ્બર્ટાની આઝાદીને મુદ્દે રેફરન્ડમની જરૂરી કાનુની પ્રક્રિયા શરૂ કરે.


