આલ્બર્ટામાં સૈન્ય મથકે પ્રચંડ વિસ્ફોટ ઘાયલોથી દવાખાનાં ભરાઇ ગયાં

Friday 23rd October 2026 05:40 EDT
 
 

ઓટાવાઃ કેનેડાના આલ્બર્ટામાં આવેલા સૈન્ય મથકમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 7 સૈનિકો અને કર્મચારી માર્યા ગયાના અહેવાલ છે. સંરક્ષણ પ્રધાન ડેવિડ મૈકગિન્ટીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું હતું કે, ‘મેં આવુ દર્દનાક દ્રષ્ય પહેલાં કદી જોયું નથી.’ ઘાયલોની સંખ્યા હાલ સત્તાવાર રીતે જાહેર કરાઇ નથી આવી પરંતુ વિસ્ફોટને પગલે 7 સૈનિકો અને કર્મચારીના મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.
સૈન્ય મથકે 1300થી વધુ સૈનિકો અને કર્મચારી કામ કરી રહ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્રે જણાવ્યા મુજબ તીવ્ર વેગથી પવન ફુંકાતો હોવાથી સૈન્ય મથકની આસપાસના વિસ્તારોમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ફાયર ફાઇટર્સ આગને અંકુશમાં લેવા પ્રયાસશીલ છે. રોયલ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલના ઈમરજન્સી તબીબ ડોક્ટર વોરેને જણાવ્યું હતું કે આવી દુર્ઘટના 15 થી 25 વર્ષમાં એકાદ વાર સર્જાતી હોય છે. દર્દીઓની સંખ્યા એટલી મોટી હતી કે શહેરના દવાખાના ભરાઈ ગયા હતા. વિસ્ફોટ કઇ રીતે થયો અને આગ લાગવાનું કારણ શું હતું તે વિષે અધિકારીઓએ હજી કાંઈ જણાવ્યું નથી. સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અલ્બર્ટામાં આવેલું આ સૈન્ય મથક કેનેડાની મહત્ત્વની સૈન્ય તાલીમ છાવણી છે. અહીં સૈનિકોને યુદ્ધ માટે તાલીમબદ્ધ કરવામાં આવે છે. કેનેડાની મેનૂવર તાલીમ પણ અહીં અપાય છે. યુદ્ધના મેદાન જેવી માહોલમાં સૈનિકો અહીં તાલીમ લેતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter