ઇચ્છામૃત્યુની નવી પોલિસીઃ કોલંબિયાની વ્યક્તિએ જાહેરમાં જીવન ટુંકાવ્યું

Tuesday 11th January 2022 05:11 EST
 
 

કેલ (કોલમ્બિયા)ઃ વિશ્વના ઘણા દેશોમાં ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને વ્યક્તિ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય એવી સ્થિતિમાં જુદા જુદા દેશો તેને સ્વેચ્છાએ જીવન ટુંકાવાની પરવાનગી આપે છે. જોકે, કોલંબિયાની એક વ્યક્તિએ આવી કોઇ બીમારી ન હોવા છતાં જાહેરમાં જીવન ટુંકાવ્યું છે.
કોઇ બીમારી નહીં, છતાં ઇચ્છામૃત્યુ
વિક્ટર એસ્કોબાર લેટિન અમેરિકાની એવી પહેલી વ્યક્તિ બની છે જે કોઈ લાંબી બીમારીથી પીડાતી નહીં હોવા છતાં ઇચ્છામૃત્યુની નીતિનો ઉપયોગ કરીને મોતને ભેટી છે. કોલંબિયામાં કોર્ટના ચુકાદા પછી વિક્ટરે જાતે જ જીવન ટુંકાવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે - સાતમી જાન્યુઆરીએ મોતને ભેટતા પહેલાં વિક્ટરે ફેફસાંની બીમારીમાંથી બે વર્ષે મુક્ત થયા પછી જીતની ઉજવણી કરી હતી. તેની બીમારીના કારણે વિક્ટર જાતે શ્વાસ લઈ શકતો ન હતો.
‘જલદી મળીશું...’
કેથલિક ખ્રિસ્તી ધર્મ પાળતા વિક્ટરે જણાવ્યું હતું કે, ‘ધીમે ધીમે દરેકનો વારો આવે છે. એટલે હું અલવિદા કહેવાને બદલે ‘જલદી મળીશું’ કહેવાનું પસંદ કરીશ. ધીમે ધીમે આપણે બધા ઇશ્વરને મળીશું.’ વિક્ટર ડોક્ટર્સ અને તેના વકીલની હાજરીમાં મોતને ભેટ્યો હતો. તેના છેલ્લા જીવિત ફૂટેજમાં વિક્ટર હસતો અને પરિવારના સભ્યોની સાથે દેખાયો હતો. તેને બેહોશ કરી ઇન્જેક્શન અપાયું હતું. તેને લીધે વિક્ટરનું મૃત્યુ થયું હતું.
માન સાથે મૃત્યુનો અધિકાર
કોલંબિયાએ ૧૯૯૭માં ઇચ્છામૃત્યુને મંજૂરી આપી હતી અને જુલાઇ ૨૦૨૧માં હાઇ કોર્ટે આ નીતિનો વ્યાપ વધાર્યો હતો. જેમાં ગંભીર માંદગી ન હોય એવા લોકોને પણ ‘માન સાથે મૃત્યુનો અધિકાર’ અધિકાર અપાયો હતો. કોલંબિયા આવું પગલું લેનારો પહેલો લેટિન અમેરિકન દેશ છે. વિશ્વમાં પણ આવી નીતિ ધરાવનારા દેશોની સંખ્યા બહુ ઓછી છે.
દેશમાં મોટા ભાગના લોકો રોમન કેથલિક હોવા છતાં તેણે આવો નિર્ણય લીધો છે. કારણ કે ચર્ચ ઇચ્છામૃત્યુ કે કોઇની મદદથી મૃત્યુની નીતિનો સ્પષ્ટ વિરોધ કરે છે. વિક્ટરે ઓક્ટોબરમાં કાનૂની લડાઇ જીત્યા પછી કહ્યું હતું કે, ‘હું માંદો હોવાનો અનુભવ કરતો હતો.’ ડાયાબિટિસ અને હૃદયરોગને કારણે તેણે વ્હીલચેરમાં જ ફરવું પડતું હતું. વારેવારે સાંધા જકડાતા હોવાને કારણે તે શરીરથી ભાંગી પડ્યો હતો. તેના પરિવારે પણ ઇચ્છામૃત્યુના વિચારને ટેકો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, યુરોપમાં પણ માત્ર બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, લક્ઝમ્બર્ગ અને સ્પેને ઇચ્છામૃત્યુને કાયદેસર મંજૂરી આપી છે. કોલંબિયા આ યાદીમાં જોડાયું છે પણ તેની પ્રક્રિયા હંમેશા સરળ હોતી નથી. ૨૦૨૧ના મધ્ય ભાગમાં વિક્ટર જેવા માંદગીથી ત્રાસેલા પણ છ મહિનાથી વધુ જીવવાની શક્યતા ધરાવતા દર્દીઓને ઇચ્છામૃત્યુની મંજૂરી અપાઈ ન હતી.
ત્રણ લોકોએ કાયદાનો ઉપયોગ કર્યો
‘ફાઉન્ડેશન ફોર રાઇટ ટુ ડિગ્નિફાઇડ ડેથ’ નામના એનજીઓની મોનિકા ગિરાલ્ડોએ જણાવ્યું હતું કે, ‘આવા લોકોને તેમની ઇચ્છા વિરુદ્ધ સ્વમાનના ભોગે જીવવાની ફરજ પાડવામાં આવતી હતી.’ તેમણે કહ્યું હતું કે, ‘કોર્ટના ચુકાદા પછી લાંબી માંદગી નહીં ધરાવતા ત્રણ લોકોએ ઇચ્છામૃત્યુ જીવન ટુંકાવવા આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. જોકે, કેમેરા સામે લોકો જોઈ શકે એ રીતે મોતને ભેટનાર વિક્ટર પહેલી વ્યક્તિ હતી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter