ઇટલીના મેન્જામાં બર્ગર કરતાં પણ સસ્તા ભાવે મકાન!

Sunday 05th September 2021 05:37 EDT
 
 

રોમઃ મોંઘવારીના આ જમાનામાં આજકાલ સસ્તામાં કંઇ મળતું નથી ત્યારે ઇટલીમાં ફ્ક્ત ૧ યુરોમાં શાનદાર મકાનોનું વેચાણ થઇ રહ્યું છે. વળી આ મકાનો અંતરિયાળ વિસ્તારોમાં નહીં, પરંતુ રાજધાની રોમથી ફ્ક્ત ૭૦ કિલોમીટરના અંતરે જ છે. શહેરની ભીડભાડથી દૂર કોઇ શાંત જગ્યાએ વસવાટ કરવા માંગતા લોકો માટે આ સોનેરી તક સમાન ઓફર છે. ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ના અહેવાલ અનુસાર રોમના લેટિયમ વિસ્તારના મેન્જા શહેરમાં આ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એક ઘર ૧ યુરો એટલે કે ૮૭ રૂપિયામાં ખરીદી શકાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરને ફરીથી વસાવવાનો અને પ્રવાસનની પ્રવૃત્તિને વેગ આપવાનો છે.
આ અંગે મેયર ક્લાઉડિયો સ્પરડુતીએ કહ્યું હતું કે કેટલાક મૂળ પરિવારોનો આ અંગે સંપર્ક કરવામાં આવ્યો હતો જેઓએ મકાનોને વેચવા માટે જૂના મકાનની ચાવી સોંપી દીધી હતી. આ મકાનોને અમે અમારી વેબસાઇટ પર ખાસ જાહેર નોટિસના માધ્યમથી બજારમાં વેચવા મૂકીએ છીએ કે જેથી બધું પારદર્શક રીતે થઇ શકે.
અલબત્ત, આ મકાન ખરીદવા માટે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે. જે લોકો આ મકાન ખરીદે તેઓએ શહેર સત્તા મંડળને જણાવવાનું રહેશે કે તેઓ તેમની સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવા માગે છે. આ સિવાય મકાન ખરીદનારે ૫૦૦૦ યૂરો (આશરે ૪.૩ લાખ રૂપિયા)ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે, જે મકાનનું સમારકામ પૂરું થઇ ગયા બાદ પરત આપી દેવામાં આવશે. મહત્ત્વની બાબત એ છે કે આ મકાન ખરીદનારે તેમાં વસવાટ કરવો ફરજીયાત નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઇમાં આ જ રીતે સ્કોટલેન્ડે તેમના એક આખા ગામડાંના મકાનોને સસ્તા ભાવે વેચવા માટે મૂક્યા હતા. અહેવાલો અનુસાર આ સ્કોટીશ ગામડાંની કુલ કિંમત ૧,૭૩,૦૦૦ ડોલર એટલે કે ૧,૨૮,૯૧,૭૦૦ રૂપિયા હતી, જે ૩.૩૧ એકર વિસ્તારમાં
ફેલાયેલું હતું. એટલું જ નહીં, અહીં મકાન ખરીદનારને દરિયાકિનારે આનંદ માણવા અને તળાવમાંથી માછલી પકડવાની સુવિધાની પણ ઓફર કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter