ઇદી અમીનને શેખર મહેતા એવોર્ડ

Wednesday 04th February 2015 07:56 EST
 
શેખર મહેતા
 

૧૯૭૨માં યુગાન્ડામાંથી ગુજરાતીઓને હાંકી કાઢનારા તત્કાલીન આપખુદ શાસક ઇદી અમીનને યુગાન્ડાના મોટરસ્પોર્ટસ સંગઠન-એફએમયુએ મૂળ ગુજરાતી રેલી ડ્રાઇવર ચંદ્રશેખર ‘શેખર’ મહેતાની યાદમાં અપાતા એવોર્ડ માટે પસંદ કર્યો છે. આ એવોર્ડ સમારોહ ૧૩ ફેબ્રુઆરીએ કંપાલામાં યોજાશે, જેમાં ઇદી અમીનને મરણોત્તર શેખર મહેતા એવોર્ડથી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે મહેતાએ અમીન સાથે સ્પર્ધા કરી હતી.
એફએમયુના સેક્રેટરી રેનોલ્ડ કિબિરાએ એવોર્ડસના લોન્ચિંગ દરમિયાન આ ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, ‘અમે યુગાન્ડામાં મોટરસ્પોર્ટના ૧૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. ભૂતકાળની સરખામણીએ આ વખતના એવોર્ડમાં તફાવત એ છે કે, અમે ભૂતકાળમાં આ ક્ષેત્રમાં યોગદાન આપનારાઓનું સન્માન કરીશું, જેમાં દિવંગત રાષ્ટ્રપ્રમુખ ઇદી અમીનનો પણ સમાવેશ થાય છે.’ નોંધનીય છે કે ઇદી અમીને ૨૫ ઓગસ્ટ, ૧૯૭૨ના રોજ યુગાન્ડાના એશિયનોને, ખાસ કરીને ગુજરાતીઓને ૯૦ દિવસમાં દેશ છોડવા ફરમાન કર્યું હતું. તેના આ વિચિત્ર નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નહોતું પરંતુ તેના કેટલાક સમર્થકોના કહેવા મુજબ, અલ્લાહે તેને સપનામાં આવીને આમ કરવા કહ્યું હતું.
મહેતા યુગાન્ડામાં જન્મેલા કેન્યાના રેલી ડ્રાઇવર હતા. તેમણે સફારી રેલી વિક્રમજનક પાંચ વખત (૧૯૭૩માં અને ૧૯૭૯થી ૧૯૮૨ સુધી) જીતી હતી. તેઓ ખીમજી મહેતાના સમૃદ્ધ ગુજરાતી બિઝનેસ ફેમિલીમાં જન્મ્યા હતા અને મહેતા ગ્રૂપના નાનજી કાલીદાસ મહેતાના પૌત્ર હતા. ૧૯૭૨માં તેમનો પરિવાર પણ યુગાન્ડા છોડી કેન્યામાં સ્થાયી થયો હતો. લિવર અને હિપેટાઇટીસની બીમારીઓને કારણે ૧૨ એપ્રિલ, ’૦૬ના રોજ તેમનું લંડનમાં નિધન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter