મુંબઈઃ અમેરિકા બીજી મે પછી કોઈ પણ દેશને ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ નહીં આપે. જો કોઈ દેશ આવું કરશે તો અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવશે. યુએસની ચેતવણીને પગલે તેની જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ ઇરાન પાસેથી આયાત કરનારા ભારતની સમસ્યા વધી શકે છે. ભારત, ઇરાક અને સાઉદી અરબ પછી ઇરાન પાસેથી જ સૌથી વધુ ક્રૂડ ખરીદે છે. સૂત્રો મુજબ સરકાર અમેરિકાના આ નિર્ણયની સમીક્ષા કરી રહી છે. ટ્રમ્પ તંત્રે ગયા વર્ષે નવેમ્બરમાં ઇરાનના ક્રૂડ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તેણે ભારત સહિત ૮ દેશોને વિકલ્પ શોધવા માટે ૧૮૦ દિવસનો સમય આપ્યો હતો. આ ૮ દેશોમાંથી ૩ ગ્રીસ, ઇટાલી અને તાઈવાન ઇરાન પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી ચૂક્યા છે. ભારત, ચીન, તૂર્કી, જાપાન અને દક્ષિણ કોરિયા હજી પણ ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યા છે.