ઇરાનના ટોચના અણુ વિજ્ઞાનીની હત્યાઃ ઇરાને ઇઝરાયેલ તરફ આંગળી ચીંધી

Thursday 03rd December 2020 06:24 EST
 
 

તહેરાનઃ ઇરાનના ટોચના પરમાણુ વિજ્ઞાની મોહસિન ફખરી જાદેહની શુક્રવારે તહેરાન બહાર થયેલા હુમલામાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ હત્યાથી રોષે ભરાયેલા ઇરાને અમેરિકા અને ઇઝરાયેલ પર હત્યાના આરોપ લગાવીને વેરની વસૂલાત કરવાની જાહેરાત કરી છે.
ઇરાનના ટોચના વિજ્ઞાનીની હત્યા થયાને પગલે ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે તંગદિલી વધે તેવા સંકેત છે. આ ઘટનાને પગલે મધ્ય-પૂર્વમાં એક નવા સંઘર્ષના મંડાણ થવાની આશંકા સેવાઈ રહી છે. ઇરાનના પ્રમુખ હસન રૂહાનીએ ઇઝરાયેલ પર આક્ષેપ મૂકતાં જણાવ્યું હતું કે તેમનો દેશ વિજ્ઞાનીની હત્યાનો બદલો લેવા જવાબી કાર્યવાહી કરશે. દેશના સર્વોચ્ચ નેતા આયોતોલ્લા અલી ખામૈનીના સૈન્ય સલાહકાર હોસેન ગેહગાને પણ હત્યાનો બદલો લેવા પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે દોષિતો પર વીજળી ત્રાટકે તેમ કેર વરસાવીશું.
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા મુજબ હુમલાખોરોએ તેમની કાર પર હુમલો કરતાં મોહસિનના સુરક્ષા ગાર્ડ અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ગોળીબારમાં મોહસિન ઘવાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ટીવી રિપોર્ટ મુજબ વિસ્ફોટકોથી ભરેલા ટ્રકે તેમની કારની સામે આવીને વિસ્ફોટ કર્યા પછી અસયુવીમાંથી ગોળીબાર શરૂ થયા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે એક અમેરિકી અધિકારી અને બે અન્ય ગુપ્તચર એજન્સીએ તે વાતને સમર્થન આપ્યું હતું કે હુમલા પાછળ ઇઝરાયેલનો હાથ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter