ઇરાને પાછું અમેરિકાનું નાક દબાવ્યુંઃ હવે 3 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ આપ્યો

Thursday 30th April 2026 05:23 EDT
 
 

તહેરાન, ઇસ્લામાબાદઃ શાંતિમંત્રણા માટે અમેરિકા જેટલી જ તત્પરતા છતાં ઘડીક ‘હા’ તો ઘડીક ‘ના’ કહીને અમેરિકાને મૂંઝવતા રહેલા ઇરાને હવે નવો શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાને 10 પોઈન્ટના શાંતિ પ્રસ્તાવમાં કાપ મૂકીને હવે તેને 3 પોઈન્ટમાં તબક્કાવાર લાગુ કરવા પ્રસ્તાવ આપ્યો છે. તો બીજી તરફ, આઇઆરજીસીએ હોર્મુઝમાં ગોઠવાયેલી અમેરિકી નાકાબંધીને ખુલ્લેઆમ પડકારતાં ખાડીમાંથી પસાર થઇ રહેલા ટોગોના ફ્લેગવાળા ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ ટેન્કરમાં 12 ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે, જે તમામ સુરક્ષિત છે.
ઇરાને રજૂ કરેલા શાંતિ પ્રસ્તાવનો સૌથી મહત્ત્વનો પોઈન્ટ પૂર્ણ યુદ્ધવિરામ છે. જેમાં ઈરાન સહિત લેબેનોનમાં તાત્કાલિક યુદ્ધ બંધ કરી ભવિષ્યની સૈન્ય કાર્યવાહી રોકવા નક્કર ગેરંટીની માગ કરાઇ છે. સાથે સાથે જ હોર્મુઝમાં પહેલા અમેરિકી નાકાબંધી ખતમ કરવાનો અને બાદમાં ખાડી પર નિયંત્રણ મુદ્દે ચર્ચા કરવાનો મુદ્દા પણ સામેલ છે.
અરાઘચી સાથે મુનીરની મધરાત્રે મંત્રણા
શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન પહોંચેલા ઈરાનના પ્રતિનિધિ મંડળે પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. જોકે આ પહેલા શુક્રવારની રાત્રે ભારે ગરમાગરમી રહી હતી. નૂર ખાન એરબેઝ પર પાક. એરફોર્સના એસ્કોર્ટમાં ઈરાની પ્રતિનિધિમંડળ પહોંચ્યું ત્યારે મુનીરે તેમનું સ્વાગત કર્યું અને ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે સીધા ઈસ્લામાબાદની હોટલ સેરેના પહોંચ્યા હતા. શુક્રવારે રાત્રે 11:30 વાગ્યાથી સવારના 4:30 વાગ્યા સુધી બંને વચ્ચે ‘લેટ નાઈટ’ વાતચીત ચાલી હતી. આનું કારણ એ હતું કે હજારો માઇલ દૂર વોશિંગ્ટનમાં બેઠેલા અમેરિકી પ્રમુખ ટ્રમ્પને રિયલ ટાઈમ અપડેટ આપી શકાય. વોશિંગ્ટનમાં તે સમયે રાતના 8 વાગ્યા હતા.
ઇરાનને વાત કરવી હોય ફોન કરેઃ ટ્રમ્પ
બાદમાં પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથે કરાર માટે ઉત્સુકતા વ્યક્ત કરતા રવિવારે કહ્યું હતું કે, શાંતિપૂર્ણ ઉકેલ માટે યુએસ-ઈરાનના અધિકારી ફોન પર પણ વાત કરી શકે છે. 17 કલાક લાંબી ફ્લાઈટમાં પ્રતિનિધિ મંડળને મોકલવું અને પછી નિર્ણય લેવો, તેના બદલે ફોન પર વાતચીત કરીને ઉકેલ લવાય તે વધુ સારું છે. અમેરિકા પાસે તમામ વિકલ્પ છે. ઈરાનને મંત્રણા કરવી હોય તો તેઓ આવી શકે છે કે ફોન પર વાત કરી શકે છે. ટ્રાવેલિંગમાં ઘણો સમય બરબાદ થયો છે. આ ઉપરાંત ઈરાનની નેતાગરીમાં આંતરિક વિખવાદ અને મૂંઝવણનો માહોલ છે. સત્તા કોની પાસે છે, તેની ઈરાનમાં પણ કોઈને ખબર નથી. ઈરાનને વાત કરવી હોય તો માત્ર કોલ જ કરવાનો છે.
હવે યુદ્ધમાં રશિયાની એન્ટ્રી?
ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચી ઇસ્લામાબાદથી રશિયાના મોસ્કો પહોંચ્યા હતા. મોસ્કોમાં તેઓ રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. પુતિને કહ્યું કે ઈરાન તેના સાર્વભૌમત્વ માટે લડી રહ્યું છે. અમેરિકા ઈરાનને પોતાની સૈન્ય તાકાતનો ડર બતાવીને ડરાવી-ધમકાવી શકે નહીં, વિએનામાં એક આંતરરાષ્ટ્રીય સંગઠનમાં રશિયાના પ્રતિનિધિ મિખાઇલ ઉલયાનોવે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સૈન્ય તૈનાતીની ધમકી અને વધુ કડક પ્રતિબંધો લાદવાની વાતો કરવી એ બ્લેકમેલિંગ છે, પણ ઇરાન સામે આ નહીં ચાલે. અમેરિકાએ શાંતિકરાર માટે નરમ વલણ અપનાવવું જોઈએ.
અરાઘચીએ સોમવારે કહ્યું હતું કે તેમની રશિયાની મુલાકાત યુદ્ધ પછીના સંકલન માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. તેમણે જણાવ્યું હતું કે અમારા માટે યુદ્ધ અને વર્તમાન પરિસ્થિતિ સંબંધમાં અમારા રશિયન મિત્રો સાથે પરામર્શ કરવાની આ એક સારી તક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter