તૂર્કીયેના ઈઝાનિક શહેરની નજીક પુરાતત્વવિદોને એક મોટી સફળતા મળી છે. આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન એક ભૂગર્ભ કબ્રસ્તાનની અંદર ઈસુ ખ્રિસ્તને ‘ગુડ શેફર્ડ’ તરીકે દર્શાવતું એક અત્યંત દુર્લભ ભીંતચિત્ર મળી આવ્યું છે. પુરાતત્વવિદોના મતે, આ ભીંતચિત્ર છેક ત્રીજી સદીનું છે. આ સમયગાળો ખ્રિસ્તી ધર્મના પ્રારંભિક યુગનો છે, જ્યારે ખ્રિસ્તીઓને રોમન સામ્રાજ્ય હેઠળ સતામણીનો સામનો કરવો પડતો હતો. આ યુગની કલાનું આ પ્રકારનું સર્જન મળવું ખૂબ જ અસામાન્ય છે. આ ભીંતચિત્રમાં ઈસુ ખ્રિસ્તને ખભા પર ઘેટું લઈને ઊભેલા દર્શાવવામાં આવ્યા છે.


