ઈજિપ્તમાં પુરાતત્વ વિભાગને મળ્યું 4,500 વર્ષ જૂનું સૂર્યમંદિર

Monday 15th August 2022 10:56 EDT
 
 

કાહિરાઃ ઈજિપ્તમાં પુરાતત્વ વિભાગને ઉત્ખનન દરમિયાન એક પ્રાચીન સૂર્યમંદિર મળી આવ્યું છે, જે 4,500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. તેના અવશેષો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે કાચી ઈંટોમાંથી બનેલું આ બાંધકામ સૂર્યમંદિર છે. તેનો સમયગાળો ઈજિપ્તના પ્રાચીન સામ્રાજ્યનો 2,465થી 2323 બીસી હોઈ શકે છે. આ પહેલાં ગયા વર્ષે પણ ઈજિપ્તમાં સૂર્યમંદિરના અવશેષ મળ્યા હતા.
ઈટલી અને પોલેન્ડ ઈજિપ્તમાં સહિયારુ સંશોધન કરી રહ્યા છે. ઇજિપ્તના પુરાવશેષ અને પર્યટન મંત્રાલયે આ સંશોધન અંગે ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી. મંત્રાલય તરફથી જારી નિવેદનમાં જણાવાયું છે કે આ એક જોઈન્ટ ઈટાલિયન પોલિશ આર્કિયોલોજિકલ મિશન છે, જે કિંગ ન્યુસેરીના મંદિર પર કામ કરી રહ્યું છે. આ મંદિરની નીચેથી કાચી ઈંટોના બિલ્ડિંગના અવશેષ મળ્યા છે. મંદિર ઈજિપ્તની રાજધાની કાહિરાથી દક્ષિણે વસેલા અબુસીર વિસ્તારમાંથી મળ્યું છે. તે કિંગ ન્યુસેરીના મંદિરની નીચે હતું.

મંત્રાલય તરફથી જણાવાયું છે કે મંદિરની અંદર માટીના કેટલાક વાસણો અને ગ્લાસ મળ્યા છે, જે તેને સંશોધનમાં મદદ કરી શકે છે. આ ઉપરાંત જમીનની અંદર કેટલીક ટિકિટ પણ મળી છે, જેના પર પાંચમા સામ્રાજ્યના રાજાઓના નામ છે. ફોટોમાં મંત્રાલયે તે સ્થળો પણ દર્શાવ્યા છે જ્યાં પુરાતત્વ વિભાગ કામ કરી રહ્યો છે. 19મી સદીના ભગવાન આરએનું પ્રથમ સૂર્યમંદિર મળ્યું હતું. આ શોધનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે તેનાથી ઈજિપ્તના પ્રાચીન ઈતિહાસને સમજવામાં મદદ મળી છે. દેશમાં ઉપલબ્ધ છથી સાત મંદિરોમાંથી અત્યાર સુધી ફક્ત બે જ મંદિર જ શોધી શકાયા છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં પણ આવા પ્રાચીન મંદિર જેવા અવશેષો મળી આવ્યા છે. તેમાં પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી વેદીના અવશેષો પણ છે. આ પ્રતીકો 8,500 વર્ષ કરતાં પણ વધારે સમય જૂની અત્યંત પ્રાચીન સભ્યતાના હોવાનું મનાય છે. આ અવશેષો અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે. આ અવશેષો દ્વારા ઈતિહાસની કેટલીય તૂટતી કડીઓને જોડી શકાય છે અને કેટલીય બાબતો પર પ્રકાશ પાડી શકાય છે.

અમારી સભ્યતા - મૂલ્યો પ્રાચીનઃ ઇજિપિત
ઈજિપ્તના પુરાતત્વ વિભાગનું પણ કહેવું છે કે આ અવશેષો પરથી એટલું તો સ્પષ્ટ કહી શકાય છે કે અમારી સભ્યતા કેટલી પ્રાચીન છે. અમારા મૂલ્યો કેટલા પ્રાચીન છે. આ દર્શાવે છે કે ઈજિપ્ત પ્રાચીન સમયગાળામાં પણ કેટલું સમૃદ્ધ હતું અને તેને ત્યાં કેટલું વૈવિધ્ય હતું. આ ઉપરાંત ઈજિપ્તની પ્રાચીન પૂજા પરંપરાનો ઈતિહાસ પણ મળી આવ્યો છે. તેના પરથી ઈજિપ્તની સાડા ચાર હજાર વર્ષ જૂની પૂજા પદ્ધતિઓ પર પણ પ્રકાશ પડશે તેમ માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter