ઈઝરાયેલના ‘શાંતિદૂત’ શિમોનની અંતિમ વિદાય

Wednesday 05th October 2016 08:42 EDT
 
 

ઈઝરાયેલઃ શાંતિદૂત અને યુદ્ધ બાદ દેશને ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો ભજવનાર શિમોન પેરેસની દફનવિધિ ૩૦મી સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. શિમોનના અંતિમ દર્શન માટે બરાક ઓબામા, બિલ ક્લિન્ટન સહિત દુનિયાના સૌથી મોટા રાજનેતાઓ હાજર રહ્યા હતા. નોબલ પારિતોષિકથી નવાજિત ઈઝરાયેલના ટોચના રાજનેતા શિમોન પેરેસે યુદ્ધથી ઘવાયેલા ઈઝરાયેલને બેઠું કરવામાં કડીરૂપ ભૂમિકા ભજવી હતી. ૧૯૯૩માં પેલેસ્ટાઈનના યાસિર અરાફાત અને શિમોન બંનેને ઓસ્લો એકોર્ડ બદલ શાંતિનું નોબલ પારિતોષિક અપાયું હતું. પેરેસને સ્ટ્રોક આવતા ૯૩ વર્ષની વયે ર૮મીના રોજ નિધન થયું હતું. તેમની અંતિમવિધિ જેરૂસલેમમાં હતી. પેલેસ્ટાઈનના પ્રેસિડેન્ટ મો. અબ્બાસે છ વર્ષ બાદ ઈઝરાયેલની મુલાકાત લઈ બેન્જામિન સાથે હાથ મિલાવ્યો હતો. ઓબામાએ પોતાના સંબોધન વખતે પણ આ ઘટનાને ટાંકી હતી. ઓબામાએ પેરેસના કાર્યોની ઘણી પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, પેરેસે તેમને નેલ્સન મંડેલા જેવી ૨૦મી સદીની વિરાટ પ્રતિભાઓની યાદ અપાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter