તેલ અવીવ: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ખતમ કરવા અને શાંતિ તેમજ સ્થિરતા સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે કરાયેલી સમજૂતીનો ઈઝરાયેલે અસ્વીકાર કર્યો છે. સમજૂતીના ગણતરીના કલાકોમાં ઈઝરાયેલે લેબેનોન પર કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. ઈઝરાયેલનાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ગવીરે સાફ સાફ કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થતાથી કરાયેલી આ સમજૂતી ઈઝરાયેલને લાગૂ પડશે નહીં. ઈઝરાયેલ એક સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્ર છે અને તે પોતાની સુરક્ષા માટેનાં નિર્ણયો પોતાની જાતે લેશે.
ગવીરે કહ્યું કે ઈઝરાયેલ આ સમજૂતીનો હિસ્સો નથી અને તે ઈઝરાયેલને કોઈપણ રીતે બંધનકર્તા નથી. રાષ્ટ્રીય સુરક્ષાનાં મામલામાં કોઈપણ બાહ્ય સમજૂતી ઈઝરાયેલના નિર્ણયોને નિયંત્રિત કરી શકે નહીં. ઈઝરાયેલની સુરક્ષા અને તેનાં નાગરિકોની રક્ષા એ કોઈપણ આંતરરાષ્ટ્રીય સમજૂતીથી પર છે. ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ઈઝરાયેલને અનેકવાર ભારે કિંમત ચૂકવવી પડી છે. આ સમજૂતી અમારી સુરક્ષાની ગેરંટી આપતી નથી. આથી અમે તેમાં ભાગીદાર નથી. હિઝબુલ્લાનો સંપૂર્ણપણે ખાતમાં થવો જોઈએ. અમારા સૈનિકોએ કબજે લીધેલા વિસ્તારોમાંથી અમે પીછેહઠ કરીશું નહીં, લેબેનોન દ્વારા છોડવામાં આવેલા કોઈપણ ડ્રોન કે મિસાઈલ્સનો લશ્કરી જવાબ અપાશે. અમારી સેના હિઝબુલ્લા સામેનું અભિયાન ચાલુ રાખશે. અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થતાં ઈઝરાયેલનાં પેટમાં તેલ રેડાયું છે. ઈઝરાયેલ દ્વારા તેનો વિરોધ કરાયો છે. નેતન્યાહુ દ્વારા ટ્રમ્પને મળવા માટે તત્કાળ સમય મગાયો છે.


