નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયાની લાયન એર લાઇન્સનું પ્લેન ધ બોઇંગ ૭૩૭ રાજધાની જકાર્તામાં આવેલા સમુદ્રમાં ૨૯મીએ ક્રેશ થયું હતું. ફ્લાઇટમાં સવાર તમામ ૧૮૯ પેસેંજરનાં મોત થયાં હતાં. ઘટનાના પગલે અનેક મૃતદેહોની સમુદ્રમાં શોધખોળ આદરવામાં આવી હતી. સોમવારે ૬.૨૦ કલાકે જકાર્તામાંથી ફ્લાઇટ જેટી ૬૧૦એ ઉડાન ભરી હતી અને એક કલાક બાદ તે ઇન્ડોનેશિયાના ટાપુ પેંગકાલ પિનાંગના દિપાતી આમીર એરપોર્ટ પર ઉતરવાનું હતું, જોકે ઉડાન ભરી તેના માત્ર ૧૩ મિનિટ બાદ વિમાન જકાર્તા નજીકના સમુદ્રમાં જઇ ક્રેશ થયું હતું. વિમાનમાં જે પણ લોકો સવાર હતા તેમાં ઇન્ડોનેશિયાના નાણા મંત્રાલયના ૨૦ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. બે નવજાત અને એક બાળક પણ આ વિમાનમાં સવાર હતા જેમનું મોત નિપજ્યું હતું.