પાલુ (ઈન્ડોનેશિયા): ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ૭.૫ની તીવ્રતાના ભૂકંપ અને ૨૦ ફૂટ ઊંચા સુનામીના મોજાંએ ભારે તારાજી સર્જી છે. પાલુ શહેરના દરિયાકિનારે ૨૬મીએ સાંજે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું તેથી હજારો લોકો એકઠાં થયાં હતાં. તે સમયે મહાકાય સમુદ્રી મોજામાં સેંકડો લોકો લાપતા બન્યા હતા.
૧.૮૦ કરોડની વસતી ધરાવતા સુલાવેસી પ્રાંતના પાલુ શહેર પર ત્રાટકેલા સુનામીમાં ૧૨૦૦થી વધુનાં મોત થયાં છે. ભૂકંપ પછી રહેણાક વિસ્તારોમાં દસ કિલોમીટર અંદર સુધી ઘૂસી ગયેલા સમુદ્રી પાણીના પ્રચંડ પ્રવાહના કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને હજારો ઘરવિહોણા થઈ ગયા છે.
ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઈન્ડોનેશિયાના ઉપ પ્રમુખ જુસુફ કાલ્લાએ કહ્યું હતું કે, અમે રોગચાળો ન ફેલાય એ માટે મૃતદેહોની સામૂહિક દફનવિધિ શરૂ કરી છે. સુલાવેસીમાં કોહવાઈ રહેલા મૃતદેહો સ્વયંસેવકો દ્વારા બનાવાયેલી ૧૦૦ મીટર લાંબી કબરમાં સામૂહિક રીતે દફનાવાઈ રહ્યાં છે.