લંડનઃ ઈયુના ગરીબ દેશોના વિદ્યાર્થીઓએ યુકેની સબસિડીયુક્ત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા દોટ મૂકી છે. બ્રેક્ઝિટની શક્યતા વધી ગયા પછી આવા ૮,૯૦૦ જેટલા વિદ્યાર્થીએ સપ્ટેમ્બરથી બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો છે. તમામ ઈયુ દેશોના વિદ્યાર્થીની સંખ્યા ૩૧,૪૦૦ને પાર થતાં યુકેની યુનિવર્સિટીઓ માટે ઓલ-ટાઈમ હાઈ વિક્રમ બન્યો છે.
યુનિવર્સિટી એડમિશન્સ સંસ્થા Ucas અનુસાર પોલેન્ડના આશરે ૨,૧૦૦ અને બલ્ગેરિયાના ૧,૮૩૦ વિદ્યાર્થીએ યુનિવર્સિટી પ્રવેશ મેળવ્યો છે, જે ૨૦૧૫ની સરખામણીએ અનુક્રમે ૨૭ ટકા અને ૯ ટકા વધુ છે. આ ઉપરાંત, હંગેરીના ૫૮૦ અને ક્રોએશિયાના ૨૫૦ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે. બકિંગહામ યુનિવર્સિટીના એજ્યુકેશન પ્રોફેસર એલાન સ્મિધર્સે કહ્યું હતું કે,‘ઊંચા ધોરણો, મર્યાદિત ફી અને ટેક્સપેયર્સ લોન્સના કારણે ઈયુ વિદ્યાર્થીઓ માટે બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ ભારે આકર્ષણ બન્યો છે. આ સિવાય બ્રેક્ઝિટ અમલી બને કે કશું બદલાય તે પહેલા યુકેમાં પગદંડો જમાવવાની ઈચ્છાએ પણ મોટો ભાગ ભજવ્યો છે.’
બીજી તરફ, સ્પેન, પોર્ટુગલ અને સ્લોવેકિયા સહિત મધ્યમ જીડીપી ધરાવતા દેશોમાંથી પણ ૧૧,૬૦૦ વિદ્યાર્થીએ બ્રિટિશ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે, જે ૨૦૦૬ની સરખામણીએ બમણો છે. ઈયુ દેશોના વિદ્યાર્થીઓએ બ્રિટિશ વિદ્યાર્થીની માફક જ વાર્ષિક સબસિડીયુક્ત ૯,૦૦૦ પાઉન્ડની ફી ભરવાની રહે છે અને ટેક્સપેયર્સ લોનનો લાભ પણ મેળવી શકે છે. ઈયુ કાયદા હેઠળ મળતી આ સવલતો બ્રેક્ઝિટ વાટાઘાટો અનુસાર રદ પણ થઈ શકે છે.