ઈયુ દેશોમાંથી યુકેની યુનિ.ઓમાં વિદ્યાર્થીઓની અરજી ૯ ટકા ઘટી

Wednesday 02nd November 2016 05:18 EDT
 
 

લંડનઃ યુકેની અગ્રણી યુનિવર્સિટીઓમાં સૌથી આકર્ષક અભ્યાસક્રમોમાં ઈયુ વિદ્યાર્થીઓની અરજીઓમાં નવ ટકાનો ઘટાડો થયો હોવાનું દ્વારા જણાવાયું છે. આ માટે બ્રેક્ઝિટ ઉપરાંત, ઈયુ વિદ્યાર્થીઓ માટે ભંડોળની જાહેરાતમાં વિલંબ પણ જવાબદાર હોવાનું કહેવાય છે. જોકે, જાન્યુઆરી ૨૦૧૭ની મુખ્ય સમયમર્યાદા પછી જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

આ ડેટા ૧૫ ઓક્ટોબર સુધીની અરજીમર્યાદા ધરાવતા મર્યાદિત અભ્યાસક્રમો સંબંધિત હોવાં છતાં ઈયુ વિદ્યાર્થીઓનો ઘટેલો રસ નોંધપાત્ર છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં તમામ અભ્યાસક્રમો તેમજ અન્યત્ર સપ્ટેમ્બર ૨૦૧૭થી શરૂ થતાં મેડિસિન, ડેન્ટિસ્ટ્રી અને વેટરનરી અભ્યાસક્રમો માટેની અરજીઓ પણ ઘટી છે. જોકે, જાન્યુઆરી ૨૦૧૭ની મુખ્ય સમયમર્યાદામાં કુલ અરજીના ૯૦ ટકા ચિત્ર જોવાં મળે છે. ઈયુ વિદ્યાર્થીઓ માટે સરકારી નાણાસહાયની અનિશ્ચિતતાના લીધે પણ ઘટાડો જણાતો હોવાનું યુનિવર્સિટીઝ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ નિકોલા ડાન્ડ્રિજે જણાવ્યું હતું.

૨૦૧૭ માટે પ્રવેશઅરજી સ્વીકારવાની Ucas પ્રક્રિયા છઠ્ઠી સપ્ટેમ્બરે શરુ કરાઈ હતી પરંતુ, ઈયુ વિદ્યાર્થીઓ માટે ફી અને સરકારી નાણાસહાયની ગેરંટી ૧૧ ઓક્ટોબર સુધી જાહેર કરાઈ ન હતી. અરજીઓ સ્વીકારવાનું બંધ થયાના ગણતરીના દિવસ અગાઉ જ સરકારે નિવેદન કરી સ્પષ્ટ કર્યું હતું કે આગામી વર્ષના અભ્યાસ માટે ઈયુ વિદ્યાર્થીઓને ઘરઆંગણાના વિદ્યાર્થીઓની માફક જ £૯,૦૦૦ ફી તેમજ અભ્યાસ દરમિયાન સ્ટુડન્ટ લોન જેવી સહાયતા મળતી રહેશે. યુકે યુનિવર્સિટીઓમાં ૧૫ ઓક્ટોબરની સમયમર્યાદા સાથેના અભ્યાસક્રમોમાં ૨૦૧૫ની સરખામણીએ ૬૨૦ અરજી ઘટી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ૩૭૫ ઈયુ વિદ્યાર્થી ઘટ્યા છે, જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક ટકા અરજી વધ્યાની જાહેરાત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter