તહેરાન: ઈરાન અને ઇરાકમાં રવિવારે રાત્રે ભારતીય સમય પ્રમાણે એક વાગ્યે આવેલા ૭.૩ની તીવ્રતાના ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૦૭ લોકોનાં મોત થયાં હતાં અને ૬,૭૦૦ને ઈજા પહોંચી હતી. ભૂકંપનું કેન્દ્ર ઈરાન અને ઇરાકની સરહદ પર આવેલા હાલજ્બા પ્રદેશમાં જમીનની સપાટીથી ૩૩.૯ કિલોમીટરની ઊંડાઈએ હતું.
રાતના ભૂકંપના આંચકા બાદ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૮ આફ્ટરશોક અનુભવાઈ ચૂક્યા છે. મુખ્ય ભૂકંપનો આંચકો ઈરાન, ઇરાકથી માંડીને તુર્કી, કુવૈક અને ઇઝરાયલમાં પણ અનુભવાયો હતો. ભૂકંપને કારણે ઈરાનનાં ૨૦થી વધુ ગામો જમીનદોસ્ત થઈ ગયાં છે. પર્વતીય વિસ્તારમાં આવેલા ભૂકંપને કારણે હજુ મોટી સંખ્યામાં લોકો કાટમાળની નીચે દટાયેલાં હોવાની સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. મૃતાંક ઊંચો જવાની સંભાવના છે. ઈરાનનાં ૧૪ રાજ્યોમાં ભૂકંપની અસર થઈ છે.