ઈશ્વર શર્માની કેનેડા યોગ વિશ્વકપમાં 3 ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ

અગાઉ પાંચ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાની પણ અનેરી સિદ્ધિ

Tuesday 07th March 2023 13:37 EST
 
 

લંડનઃ સાઉથ-ઈસ્ટ ઈંગ્લેન્ડમાં કેન્ટના સેવોનોઆક્સના 12 વર્ષીય ભારતવંશી ઈશ્વર શર્માએ યુકેનું પ્રતિનિધિત્વ કરવા સાથે કેનેડામાં આયોજિત પાંચમા યોગ વર્લ્ડ કપ એન્ડ ફેસ્ટિવલમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપનું આયોજન કેનેડાની યોગ મિનિસ્ટ્રી દ્વારા કરાયું હતું.

ધ યોગ વર્લ્ડ કપ પ્રતિષ્ઠિત ઈવેન્ટ છે જેમાં વિશ્વભરમાંથી સૌથી પ્રતિભાશાળી અને કૌશલ્યપૂર્ણ યોગ અભ્યાસકર્તાઓ હાજરી આપે છે. કેનેડામાં યોજાએલી આ વર્ષની સ્પર્ધામાંસમગ્ર વિશ્વમાંથી ઉપસ્થિત રહેલા યોગાભ્યાસીઓએ અતુલનીય ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું.

યુકેનું પ્રતિનિધિત્વ કરી રહેલા 12 વર્ષીય ઈશ્વર શર્માએ (1) વ્યક્તિગત પરંપરાગત યોગાસન, (2) કલામય યોગ – સોલો- એકલ અને (3) કલામય યોગ– પેર- જોડી એમ ત્રણ વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. યોગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતવો એ નોંધપાત્ર સિદ્ધિ છે જે ઈશ્વર શર્માના વર્ષોના સમર્પણ અને મહેનતનું પ્રતિબિંબ પાડે છે. ઈશ્વર શર્માની આ સિદ્ધિથી ભારતીયો અને વિશ્વ ભારે ગર્વ અનુભવી રહ્યું છે અને તેની આ સિદ્ધિ બદલ નઅભિનંદન પાઠવે છે.

ઈશ્વર શર્માએ અગાઉ પાંચ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ જીતી છે અને યુકેના પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા 2022માં પોઈન્ટ ઓફ લાઈટ એવોર્ડ એનાયત કરાયો હતો તેમજ યોગક્ષેત્રે તેના યોદગાન બદલ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે બ્રિટિશ સિટિઝન યુથ એવોર્ડ પણ એનાયત કરાયો હતો. તેણે કોરોનાવાઈરસ લોકડાઉનના ગાળામાં 14 દેશના 40 બાળકો માટે દરરોજ ઓનલાઈન યોગ ક્લાસીસ ચલાવ્યા હતા.

ઈશ્વર શર્મા ત્રણ વર્ષનો હતો ત્યારે દરરોજ યોગાસનો કરતા પિતા ડો. નાન્જુન્દિયાહ વિશ્વનાથને નિહાળી તેને આ શીખવાની અને આગળ વધવાની પ્રેરણા મળી હતી. યોગાભ્યાસ કરવાથી માનસિક અને શારીરિક આરોગ્યના મળતા લાભના સંદેશાને વિશ્વભરમાં અને વિશેષતઃ ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોમાં ફેલાવવા માટે ઉત્સાહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter