ઉત્તર કોરિયાએ સુખમય ભાવિ માટે પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએઃ ટ્રમ્પ

Thursday 28th February 2019 06:08 EST
 
 

હેનાઈઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૭મીએ કહ્યું હતું કે જો ઉત્તર કોરિયાના મારા મિત્ર કિમ જોંગ ઉન પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરી દે તો તેમના માટે મોટા પુરસ્કાર છે અને ભાવિ સુખી છે. તેઓ ૨૭મીએ રાત્રે ડિનર પર કિમને મળ્યા હતા. ગયા વર્ષે જૂનમાં સિંગાપોરમાં કરેલી પહેલી વખતની વાતચીત પછી હવે બીજી વખત વિયેતનામના હેનોઇ શહેરમાં કિમ સાથેની મુલાકાતના થોડા કલાકો પહેલાં જ તેમણે આ મુજબ કહ્યું હતું.

માત્ર જૂજ શબ્દોમાં જ ટ્રમ્પે પોતાના મનની વાત કરી કહ્યું હતું કે, માત્ર તેમની બ્રાન્ડ બની ગયેલી અંગત અનોખી મુત્સદ્દીગીરી અને વેપારી કુનેહ જ પરમાણુ શસ્ત્રના કારણે વિશ્વથી વિખૂટા પડી ગયેલા ઉ. કોરિયા સાથેની અન્ય દેશોની મડાગાંઠને ઉકેલી શકે છે. ૧૯૫૩માં પૂરા થયેલા યુદ્ધ પછીથી અમેરિકન નેતાઓ માટે ઉત્તર કોરિયા અપ્રિય બન્યું હતું. અગાઉ તેમના અને કિમ વચ્ચેના સ્નેહ અંગે વાત કરનાર ટ્રમ્પે કહ્યું હતું કે, પરમાણુ શસ્ત્રો ત્યાગીને ઉત્તર કોરિયા ખૂબ ઝડપથી સામ્યવાદી દેશ અને એક સમયે અમેરિકા સામે પડેલા વિયેતનામનું અનુકરણ કરશે.

ટ્રમ્પે કિમ અંગે કહ્યું કે, મારા મિત્ર કિમ માટે આ તક ખૂબ જ આકર્ષક છે. અનોખી છે. અગાઉ ઇતિહાસમાં ક્યારેય પણ આવું બન્યું નહીં હોય. ટૂંક સમયમાં અમે ભેગા થઇશું. એ ખૂબ રસપ્રદ બાબત છે. ટ્રમ્પે કિમને એકલતામાંથી બહાર લાવીને મોટું કામ કર્યું છે અને એક સમયે વિશ્વના સૌથી હિંસક દેશ તરીકે મનાતા ઉત્તર કોરિયાને માટે વિચારી પણ ના શકાય એવી તક વોશિંગ્ટને આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter