ટોકિયોઃ ઉત્તર કોરિયામાં પરમાણુ પરીક્ષણના સ્થળ પાસે નિર્માણ હેઠળની સુરંગ ધસી પડવાથી ૨૦૦થી વધારે લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્રીજી સપ્ટેમ્બરે બનેલી ઘટનાની વિગતો હમણા સામે આવી હતી. ઉત્તર કોરિયાએ ત્રીજી સપ્ટેમ્બરે છઠ્ઠું અને સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ કર્યું હતું. પરમાણુ પરીક્ષણને પગલે સુરંગ ધસી પડી હતી.
સ્થાનિક અધિકારી સાથેની વાતચીતના આધારે ઉત્તર કોરિયાની એક સમાચાર એજન્સી તથા જાપાની મીડિયાના અહેવાલ મુજબ પુંગ્યે-રી પરમાણુ પરીક્ષણ સ્થળે જમીનની નીચે સુરંગ બનાવવામાં આવી રહી હતી. તે ધસી પડવાથી તેમાં આશરે ૧૦૦ મજૂરો ફસાઈ ગયા હતા.
પુનઃ પરીક્ષણ થાય તો પર્વત ધસી શકે
દક્ષિણ કોરિયા અને ચીનના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયા જો ફરી પરમાણુ પરીક્ષણ કરશે તો પર્વત ધસી શકે છે તથા રેડિયોએક્ટિવ કિરણો ફેલાવાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી શકે છે. ઉ.કોરિયાએ તમામ પરમાણુ પરીક્ષણો એક સ્થળે કર્યા છે. દ.કોરિયાના પ્રવકતા લી યૂજેને કહ્યું કે તેમને હોનારત વિશે માહિતી મળી હતી પણ તેના વિશે વધારે કોઈ માહિતી નથી. ઉ. કોરિયા પરમાણુ કાર્યક્રમ વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર પાડતું નથી.