બર્લિન: કહેવાય છે કે માણસનો સમય ક્યારે બદલાય છે તે કોઇ કહી શકતું નથી. એક સમયે અફ્ઘાનિસ્તાનના આઇટી પ્રધાન રહી ચૂકેલા સૈયદ અહમદ શાહ સઆદત છેલ્લા બે મહિનાથી જર્મનીમાં પિત્ઝાની ડિલિવરી કરી રહ્યા છે. પિત્ઝા કંપનીનો યૂનિફોર્મ પહેરી તેઓ જર્મનીના શહેર લીપઝિંગમાં સાઇકલ પર પિત્ઝાની ડિલિવરી કરતાં જોવા મળ્યા હતા.
૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન તેઓ આઇટી પ્રધાન હતા ત્યારે તેઓએ અફ્ઘાનિસ્તાનમાં સેલફોન નેટવર્કનો વિસ્તાર કર્યો હતો. બાદમાં તેઓ ડિસેમ્બર ૨૦૨૦માં અફ્ઘાનિસ્તાન છોડીને જર્મની આવી ગયા હતા. સઆદતે ઓક્સર્ફ્ડ યુનિર્વિસટીમાંથી કોમ્યુનિકેશનમાં એમએસસી કર્યું છે. આ સાથે તેઓ ઇલેકટ્રિકલ એન્જિનિયર પણ છે. સઆદતે દુનિયાભરના ૧૩ મોટા શહેરોમાં ૨૩ વર્ષ અલગ અલગ પ્રકારનું કામ કર્યું છે. તદુપરાંત ૨૦૦૫થી ૨૦૧૩ દરમિયાન અફ્ઘાનિસ્તાનના સૂચના અને ટેકનોલોજી મંત્રાલયના ટેકનિકલ એડવાઇઝરના રૂપે પણ કામ કર્યું હતું. જ્યારે ૨૦૧૬થી ૨૦૧૭ સુધી લંડનમાં એરિયાના ટેલિકોમના સીઇઓ તરીકે કામ કર્યું હતું. સઆદતે જણાવ્યું હતું કે, મારા અને રાષ્ટ્રપતિ ગની વચ્ચે મતભેદ હોઈ ગયા વર્ષે જ પ્રધાનપદેથી રાજીનામું આપી જર્મની આવી ગયો હતો. અહીં શરૂઆતમાં બધું સરસ ચાલ્યું હતું પરંતુ બાદમાં પૈસાની તંગીના કારણે મેં પિત્ઝા ડિલિવરી બોય બનવાનું નક્કી કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે પિત્ઝાની ડિલિવર કરવાનું કામ કરવામાં કોઇ શરમની વાત નથી. ઉલ્લેખનીય છે કે દેશ પર અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ રાષ્ટ્રપતિ ગની સહિતના ઘણા નેતાએ દેશ છોડીને અન્ય દેશોમાં રહેવાનું પસંદ કર્યું છે.
કામના કારણે જર્મન ભાષા શીખ્યો: સઆદત
સઆદતે કહ્યું કે, જર્મનીમાં શરૂના દિવસોમાં મને કોઇ કામ મળી રહ્યું નહોતું કારણ કે મને જર્મન ભાષા આવડતી નહોતી. જોકે પિત્ઝા ડિલિવરીના કારણે મને આ ભાષા શીખવામાં પણ મદદ મળી છે. આ નોકરીના કારણે હું શહેરના અલગ અલગ ભાગોમાં લોકોને મળી રહ્યો છું જેથી હું કોઇ બીજી સારી નોકરી મેળવી શકું.